નવા વર્ષની શરૂઆતમાં ભારતમાં આવશે એકથી વધુ કોરોના વૅક્સિન: ડૉ. હર્ષવર્ધન

13 October, 2020 07:04 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

નવા વર્ષની શરૂઆતમાં ભારતમાં આવશે એકથી વધુ કોરોના વૅક્સિન: ડૉ. હર્ષવર્ધન

કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડૉક્ટર હર્ષવર્ધન (ફાઈલ તસવીર)

કોરોના વાયરસ (COVID-19)ના ટેન્શનની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડૉક્ટર હર્ષવર્ધન (Dr. Harsh Vardhan)એ મંગળવારે એક સારા સમાચાર આપ્યા છે. આગામી વર્ષની શરૂઆતમાં એટલે કે 2021માં ભારત દેશમાં એકથી વધુ વેક્સિન ઉપલબ્ધ થશે. દેશમાં એના ડિસ્ટ્રિબ્યુશનના પ્લાનિંગ પર કામ શરૂ થઈ ગયું છે. હર્ષવર્ધને આ માહિતી મંત્રી સમૂહની બેઠક દરમિયાન આપી છે.

દેશમાં કોરોના વાયરસ મહામારીની સ્થિતિને લઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તથા ICMR તરફથી મંગળવારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય પ્રધાને કહ્યું હતું કે, અમારા નિષ્ણાતો હાલમાં કોરોના રસીનું વિતરણ દેશમાં કેવી રીતે કરી શકાય તે દિશામાં રણનીતિ તૈયાર કરી રહ્યાં છે. અમે નિશ્ચિત રુપે કોલ્ડ ચેઈન સુવિધાને મજબૂત કરવાની દિશામાં કામ કરી રહયા છીએ. નોંધનીય છે કે હાલમાં ભારતમાં ચાર કોરોના વેક્સિનનું પ્રિ ક્લિનિકલ  ટ્રાયલના એડવાન્સ્ડ સ્ટેજમાં પરીક્ષણ ચાલી રહ્યું છે.

આ કોન્ફરન્સમાં સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણ તથા ICMRના ડિરેક્ટર ડો.બલરામ ભાર્ગવે કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપી હતી. ICMRના મહાનિર્દેશક ડો. બલરામ ભાર્ગવે કહ્યું કે, ભારતમાં ફરી સંક્રમણના કેટલાક કેસ સામે આવ્યા છે. આ પૈકી બે મુંબઈમાં અને એક કેસ અમદાવાદમાં સામે આવ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના જણાવ્યા પ્રમાણે વિશ્વમાં આશરે આવા 24 કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોના વાયરસ સંક્રમણથી સાજા થનારા લોકોની સંખ્યા 62 લાખને પાર થઈ ગઈ છે.

ડો હર્ષવર્ષને આ આગાઉ રવિવારે કહ્યું હતું કે, 2021ના પહેલા ક્વાર્ટર સુધીમાં કોરોના વેક્સિન ઉપલબ્ધ થઇ જવાની આશા છે. તેમણે કહ્યું હતું કે, ભારતની વધુ વસ્તીને ધ્યાનમાં લઈને કોઈ એક વેક્સિન કે પછી એક વેક્સિન નિર્માતા સમગ્ર દેશની વેક્સિનની માંગણીને પૂરી કરવામાં સક્ષમ ન બની શકે. માટે અમે ભારતીય વસ્તીની સ્થિતિ અનુસાર એકથી વધુ કોરોના વેક્સિનની વ્યવહારુતાનું આકલન કરવા માટે સ્વતંત્ર છીએ.

coronavirus covid19 national news