સ્કૅમના પૈસા ક્યાં છે એનો આજે કોર્ટમાં ખુલાસો કરશે કેજરીવાલ

28 March, 2024 09:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે દિવસ પહેલાં તેમણે દિલ્હીની જળ ખાતાની પ્રધાન અતિશીને મેસેજ મોકલ્યો હતો અને એમાં કહ્યું હતું કે પાણી અને સિવેજની સમસ્યાનું સમાધાન થવું જોઈએ.’

સુનીતા કેજરીવાલ

દિલ્હી લિકર પૉલિસી કેસમાં જેમની ધરપકડ થઈ છે તે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આજે કોર્ટમાં દિલ્હી લિકર નીતિમાં મળેલાં નાણાં ક્યાં રાખ્યાં છે એની જાણકારી આપશે એવું તેમનાં પત્ની સુનીતા કેજરીવાલે ગઈ કાલે એક વિડિયો-મેસેજમાં કહ્યું હતું.અરવિંદ કેજરીવાલને મંગળવારે સાંજે મળ્યા બાદ સુનીતા કેજરીવાલે ગઈ કાલે વિડિયો-મેસેજમાં કહ્યું હતું કે ‘મેં અરવિંદજીની જેલમાં મુલાકાત કરી હતી. બે દિવસ પહેલાં તેમણે દિલ્હીની જળ ખાતાની પ્રધાન અતિશીને મેસેજ મોકલ્યો હતો અને એમાં કહ્યું હતું કે પાણી અને સિવેજની સમસ્યાનું સમાધાન થવું જોઈએ.’

લિકર કૌભાંડ મુદ્દે બોલતાં સુનીતા કેજરીવાલે કહ્યું હતું કે ‘અરવિંદજીએ મારી સાથેની વાતચીતમાં કથિત શરાબ કૌભાંડમાં બે વર્ષમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ ૨૫૦થી વધારે રેઇડ પાડી હોવાનું કહ્યું હતું, પણ તેમનું કહેવું છે કે કોઈ પણ છાપામારીમાં નાણાં મળ્યાં નથી. તેમણે મનીષ સિસોદિયા, સંજય સિંહ તેમ જ સત્યેન્દ્ર જૈનના ઘરે રેઇડ પાડી. તેમને કંઈ મળ્યું નહીં. તેમણે અમારા ઘરે રેઇડ પાડી જેમાં માત્ર ૭૩,૦૦૦ રૂપિયા મળ્યા છે. તો શરાબ કૌભાંડનાં નાણાં ક્યાં ગયાં? અરવિંદજીએ મને કહ્યું છે કે ગુરુવારે તેઓ કોર્ટમાં આ નાણાં ક્યાં છે એની જાણકારી આપશે.’

અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈ કોર્ટે રાહત ન આપી

અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈ કોર્ટમાં લીકર પૉલિસી કેસમાં પોતાની ધરપકડને પડકારતી જે અરજી કરી છે એમાં તેમને ગઈ કાલે કોઈ રાહત નહોતી મળી. સુનાવણી દરમ્યાન કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ને નોટિસ મોકલીને અરવિંદ કેજરીવાલની યાચિકા પર બીજી એપ્રિલ સુધીમાં જવાબ આપવાનો આદેશ આપ્યો હતો. આ કેસની હવે પછીની સુનાવણી ત્રીજી એપ્રિલે રાખવામાં આવી છે.

 

national news directorate of enforcement arvind kejriwal