કેજરીવાલ પર બેવડા પ્રહારો

22 October, 2012 05:29 AM IST  | 

કેજરીવાલ પર બેવડા પ્રહારો



આઇએસીના નેતા અરવિંદ કેજરીવાલે ગઈ કાલે પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને ફગાવી દઈને ભષ્ટાચારના મુદ્દે જાહેર ચર્ચા કરવા વડા પ્રધાન મનમોહન સિંહ, કૉન્ગ્રેસનાં ચીફ સોનિયા ગાંધી અને જનરલ સેક્રેટરી રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો હતો, જેને કૉન્ગ્રેસે ફગાવી દીધો હતો.

જોકે પછી આઇએસીનાં ૫૫ વર્ષનાં ઍની કોહલી સહિત કેટલાક ભૂતપૂર્વ સભ્યોએ આ પ્રેસ-કૉન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલની કાર્યશૈલી સામે જ સવાલ ઊભા કરતાં આખા વિવાદમાં નવો વળાંક આવ્યો હતો. ઍની કોહલીએ સવાલ કર્યો હતો કે અરવિંદ કેજરીવાલ બધાને સવાલો કરે છે તો પછી પોતે સવાલોના જવાબ કેમ નથી આપતા? તેમણે આરોપ મૂક્યો હતો કે અરવિંદ કેજરીવાલે ગયા વર્ષે જનલોકપાલ બિલની માગણી કરવામાં આવી હતી એ આંદોલનના એજન્ડાને સાવ જ બદલી નાખ્યો છે. ઍની કોહલીએ કહ્યું હતું કે કેજરીવાલે સ્પષ્ટ કરવું જોઈએ કે તેઓ ચળવળકારી છે કે રાજકારણી?

ઍની કોહલીના આવા આરોપથી અરવિંદ કેજરીવાલને ભારે આંચકો લાગ્યો હતો અને તેમણે કોઈ જવાબ આપ્યા વગર પ્રેસ-કૉન્ફરન્સમાંથી ચાલતી પકડી લીધી હતી. જોકે પછીથી તેમણે સ્પષ્ટતા કરી હતી કે હું ક્યારેય ભૂતકાળમાં ઍનીને મળ્યો નથી. મને લાગે છે કે તેમને કોઈકે ખાસ હેતુથી મોકલ્યાં છે.

આઇએસી = ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન