કૌભાંડોની રાઝદાર ડાયરીઓ

13 May, 2022 08:45 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અહીં એવા કેટલાક કેસ પર એક નજર કરીએ, જેમાં ડાયરીનાં પાનાં પલટાવવાની સાથે જ ભ્રષ્ટાચારીઓની કુંડળી બહાર આવી ગઈ હતી

પ્રતીકાત્મક તસવીર

કરપ્શન, ગોટાળા કે લાંચના કેસની તપાસ ઘણી અટપટી હોય છે. જોકે ક્યારેક ઇન્વેસ્ટિગેશન એજન્સીઓને હાથમાં ડાયરી લાગતાં જ કેસની ગૂંચ ઉકેલાઈ જતી હોય છે. તાજેતરમાં આઇએએસ ઑફિસર પૂજા સિંઘલનો કેસ પણ આનું ઉદાહરણ પુરવાર થઈ શકે છે. અહીં એવા કેટલાક કેસ પર એક નજર કરીએ, જેમાં ડાયરીનાં પાનાં પલટાવવાની સાથે જ ભ્રષ્ટાચારીઓની કુંડળી બહાર આવી ગઈ હતી.  

પૂજા સિંઘલ કેસ
આઇએએસ ઑફિસર પૂજા સિંઘલના કેસમાં પણ ઇન્વેસ્ટિગેશન એજન્સીઓને એક ડાયરી મળી છે. તેમના પ્રિમાઇસિસ પર દરોડા દરમ્યાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટને આ ડાયરી મળી હતી. આ ડાયરીથી અનેક હાઈ-પ્રોફાઇલ લોકોનો પર્દાફાશ થવાની શક્યતા છે. જણાવાયું છે કે આ ડાયરીમાં મની લૉન્ડરિંગ દ્વારા કરવામાં આવેલી લેવડ-દેવડની વિગતો છે. સાથે જ અનેક પૉલિટિશ્યન્સ, અધિકારીઓ અને પત્રકારોનાં નામ અને મોબાઇલ-નંબર્સ પણ છે.

ઑગસ્ટા-વેસ્ટલૅન્ડ કેસ
ઑગસ્ટા-વેસ્ટલૅન્ડ ડીલ ૧૨ વીવીઆઇપી હેલિકૉપ્ટરની ખરીદી સંબંધી હતી. ૨૦૧૩-’૧૪માં એમાં ગોટાળાની વાત બહાર આવી હતી. આ ડીલમાં મિડલમૅન ક્રિશ્ચન મિશેલ હતો. તેની ડાયરીથી ખુલાસો થયો હતો કે આ ડીલને પાર પાડવા માટે ભારતમાં એક વગદાર પરિવારને લાંચ માટે કરોડો રૂપિયા આપવામાં આવ્યા હતા, જેના પછી શંકાની સોય ગાંધી-પરિવાર પર તકાઈ હતી. આ ડાયરીમાં ‘એપી’નો ઉલ્લેખ હતો. બીજેપીએ દાવો કર્યો હતો કે આ એપી એટલે અહમદ પટેલ.

જૈન હવાલા કાંડ
આ કેસ ૧૯૯૬નો છે. જૈન હવાલા કાંડને જૈન ડાયરી કેસ કે જૈન હવાલા ગોટાળો પણ કહેવામાં આવે છે. એણે એ સમયે દેશના રાજકારણમાં હલચલ મચાવી દીધી હતી. આ એક નાણાકીય ગોટાળો હતો, જેમાં ચાર હવાલા દલાલો અને જૈન ભાઈઓ દ્વારા દેશના અનેક પૉલિટિશ્યન્સને રૂપિયા આપવામાં આવ્યા હતા. આ કેસમાં સીબીઆઇએ ડાયરીઓને પુરાવા તરીકે રજૂ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે એને પુરાવા ગણવાનો ઇનકાર કર્યો હતો. આ ડાયરીમાં કથિત રીતે એ લોકોનાં નામ હતાં જેમને જૈન ભાઈઓએ લાંચ આપી હતી.

ઝારખંડ સ્કૉલરશિપ ગોટાળો
ઝારખંડ સ્કૉલરશિપ ગોટાળામાં મિડલમૅન, બૅન્કના કર્મચારીઓ, સ્કૂલનો સ્ટાફ અને રાજ્ય સરકારના કર્મચારીઓની સંડોવણી હોવાના આરોપ હતા. આ ગોટાળામાં દિનેશ સાહૂ નામના મિડલમૅનની ડાયરીથી જ આખા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. ઇન્વેસ્ટિગેશન એજન્સીઓને આરોપીઓના ફોન-નંબર, યુઝર આઇડી અને પાસવર્ડ, સ્કૂલની કૉન્ટૅક્ટ ડિટેઇલ્સ આ ડાયરીમાંથી જ મળી હતી. 

national news