હાથરસ રેપને મામલે યોગીનું બયાન, એવી સજા કરાવીશ, આગામી જનરેશન યાદ રાખશે

03 October, 2020 12:57 PM IST  |  Mumbai | Agencies

હાથરસ રેપને મામલે યોગીનું બયાન, એવી સજા કરાવીશ, આગામી જનરેશન યાદ રાખશે

હાથરસમાં ૧૯ વર્ષની યુવતી પર થયેલી ગેંગરેપની ઘટનાનો વિરોધ કરવા માટે પોતાના ચહેરા અને માસ્ક પર સુત્રો લગાવીને આવેલી યુવતી. તસવીર : પી.ટી.આઈ

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે સ્ત્રીઓની સુરક્ષા પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા જાહેર કરતાં જણાવ્યું હતું કે મહિલાઓના સ્વમાનને ઠેસ પહોંચાડવાનો વિચાર પણ કરનારને ખતમ કરી નાખવામાં આવશે. ઉત્તર પ્રદેશના હાથરસમાં સામૂહિક બળાત્કાર બાદ હત્યાનો ભોગ બનેલી દલિત યુવતીના દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં મૃત્યુની ઘટનાના અનુસંધાનમાં યોગી આદિત્યનાથે ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.
સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર હિન્દીમાં લખેલી પોસ્ટમાં આદિત્યનાથે જણાવ્યું હતું કે ‘મહિલાઓના સ્વમાન પર પ્રહાર કરનાર કે મર્યાદાભંગ કરનારને એવી સજા કરવામાં આવશે કે ભાવિ પેઢીઓ પણ એને યાદ રાખશે. ઉત્તર પ્રદેશની સરકાર રાજ્યની માતાઓ અને બહેનોના રક્ષણ અને વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ’

હાથરસ પીડિતાનો ભાઈ છુપાતો આવ્યો ને મીડિયાને કહ્યું, કાકાને છાતી પર લાત મારી હતી ડીએમએ

હાથરસ મામલે ઉત્તર પ્રદેશ પોલીસની ભૂમિકા અંગે રોજ-રોજ નવા ખુલાસાઓ થાય છે. પીડિતાના પરિવારે એવો આરોપ મૂક્યો હતો કે પ્રશાસને એમને એક રીતે બંધક બનાવી દીધા હતા. પરિવાર પાસેથી મોબાઇલ લઈ લેવામાં આવ્યો હતો. સમગ્ર હાથરસમાં કલમ ૧૪૪ લાગુ પાડવામાં આવી હતી. ભાઈ પોલીસથી સંતાતો છુપાતો મીડિયા સમક્ષ પહોંચ્યો હતો. તેણે કહ્યું હતું કે ડીએમ સાહેબે મારા કાકાની છાતી પર લાત મારી હતી. અમને એક રૂમમાં બંધ કરી દીધા હતા. 

અગ્નિદાહ લાઇવ જોયો યોગીએ? સાચું શું છે?

હાથરસમાં ગૅન્ગરેપનો શિકાર બનેલી મહિલાનું મૃત્યુ થતાં દેશવાસીઓમાં આક્રોશ ફેલાયો છે અને હાલમાં આ ઘટના સંદર્ભે યોગી આદિત્યનાથનો એક ફોટો વાઇરલ થયો હતો જેને લીધે આ જન‌આક્રોશ વધારે ફાટ્યો હતો. વાસ્તવમાં સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા એક ફોટોમાં જોવા મળી રહ્યું છે કે યોગી આદિત્યનાથ ગૅન્ગરેપ પીડિતાનો અગ્નિસંસ્કાર પોતાના લૅપટૉપમાં લાઇવ જોઈ રહ્યા છે. આ ફોટો દ્વારા લોકોએ સરકાર પર અનેક ટીકા-ટિપ્પણ કરી હતી. જોકે પછી તપાસ કરતાં ખબર પડી કે આ ફોટો એડિટ કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં પીડિતાના પરિવાર સાથે વાતચીત દરમ્યાનનો યોગી આદિત્યનાથનો આ ફોટો એડિટ કરીને વાઇરલ કરવામાં આવ્યો હતો. પિતાના પરિવાર સાથે થયેલી વાતચીતમાં યોગી આદિત્યનાથે પીડિતાના પરિવારને ન્યાય અપાવવાનું કહીને તેમને સાંત્વના આપી હતી.

હવે હાઇ કોર્ટ પાસેથી આશા છે : પ્રિયંકા

ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત યુવતી પર સામૂહિક બળાત્કાર બાદ હત્યા કરવાની ઘટનાના અનુસંધાનમાં અલાહાબાદ હાઈ કોર્ટે ટોચના પોલીસ અમલદારોને તેડું મોકલતાં કૉન્ગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધીને હૈયાધારણ પ્રાપ્ત થઈ હતી. એ ઘટનાને પગલે પીડિતાના પરિવારને ન્યાય મળવાની આશા જાગી હોવાનું પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું.
પ્રિયંકા ગાંધીએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘અલાહાબાદ હાઈ કોર્ટની લખનઉ બેન્ચે મજબૂત અને પ્રોત્સાહક આદેશ આપ્યો છે. હાથરસમાં બળાત્કારનો ભોગ બનેલી યુવતી માટે સમગ્ર રાષ્ટ્ર ન્યાય માગે છે. પીડિતાના પરિવાર સાથે રાજ્ય સરકારના કાલિમાગ્રસ્ત, અમાનવીય અને અન્યાયી વર્તન સામે હાઈ કોર્ટનું વલણ આશાનાં કિરણો ઉપજાવનારું છે. ’

national news Crime News uttar pradesh sexual crime