હાથરસ: રાહુલ ગાંધી બાદ પોલીસ તંત્રએ TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયનને અટકાવ્યા

02 October, 2020 05:00 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent

હાથરસ: રાહુલ ગાંધી બાદ પોલીસ તંત્રએ TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયનને અટકાવ્યા

વીડિયોમાંથી લીધેલો સ્ક્રીન શૉટ

હાથરસમાં દલિત યુવતી પર થયેલા ગેંગરેપનો મુદ્દા અંગે રાજકારણ રમાઈ રહ્યું છે અને તે અટકવાનું નામ જ નથી લેતું. પોલીસ ન તો વિપક્ષના નેતાઓને પીડિત પરિવારને મળવા દે છે અને ન તો મીડિયાને એન્ટ્રી આપવામાં આવી રહી છે. ગામની સરહદ પર પોલીસે બેરિકેડ લગાવી રાખ્યા છે. ગઈકાલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ને પીડિતાના પરિવારને મળવા જતા રોક્યા બાદ આજે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદોના પ્રતિનિધિ મંડળને ગામમાં જતા રોકવામાં આવ્યા હતા. અને તેમની સાથે ગેરવર્તણુંક પણ કરવામાં આવી હતી.

ગુરુવારે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કેટલાય નેતા હાથરસ જવાના પ્રયાસ કર્યા પરંતુ પોલીસે તેમને જવા દીધા ન હતા. આજ રીતે આજે તૃણમુલ કોંગ્રેસના સાંસદોને પોલીસે અટકાવ્યા હતા.

આજે તૃણમૂલ કોંગ્રેનું પ્રતિનિધિમંડળ હાથરસ પીડિતાના પરિવારને મળવા આવ્યું તો પોલીસે તેમને પણ અટકાવ્યા હતા. એટલું જ નથી તેમની સાથે ગેરવર્તણુંક કરી હતી. TMC સાંસદોના પ્રતિનિધિ મંડળે પીડિતાના પરિવારને મળવાની જીદ કરી તો પોલીસે તેમને ધક્કે ચડાવ્યા. આ દરમ્યાન સાંસદ ડેરેક ઓ બ્રાયનને ધક્કા માર્યા અને ત્યાંથી ખસેડવા લાગ્યા. આ ધક્કામુક્કીમાં બ્રાયન ફસડાઈ પડ્યા હતા. સાંસદોને ધક્કે ચડાવીને પોલીસ તેમને ગામની અંદર જતા રોકી રહી છે.

TMCના મહિલા સાંસદ મમતા ઠાકુરે જણાવ્યું કે, તેઓ પરિવારને મળવા જઈ રહ્યા હતા. પરંતુ, તેમને પરિવારને મળવાની અનુમતિ આપવામાં ન આવી. જયારે અમે ભારપૂર્વક કહ્યું તો મહિલા પોલીસે આવીને તેમના કપડાં ખેંચ્યા અને અમારા સાંસદ પ્રતિમા મંડલ પર લાઠીચાર્જ કર્યો. તેઓ નીચે પડી ગયા. પુરુષ પોલીસ અધિકારીઓએ તેમની સાથે આવો વ્યવહાર કર્યો તે શરમજનક છે.

ગામની બહાર રસ્સાકસ્સીનો માહોલ TMCના સાંસદો અને પોલીસકર્મીઓ વચ્ચે સર્જાયો છે. આખા ગામ પર કડક પહેરો છે. મીડિયાને ગામની બહાર રોકી દેવાયું છે. SITની ટીમ ઘટનાસ્થળે હાજર છે.

national news uttar pradesh trinamool congress