હરિયાણાની રાજ્યસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસે કરી અંચઈની ફરિયાદ

13 June, 2016 06:10 AM IST  | 

હરિયાણાની રાજ્યસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસે કરી અંચઈની ફરિયાદ


શનિવારે હરિયાણામાં થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં સરકારી મશીનરીનો દુરુપયોગ થવાની ફરિયાદ કૉન્ગ્રેસ આજે ચૂંટણીપંચને કરશે. હરિયાણામાં બે સીટ પર થયેલા મતદાનમાં કૉન્ગ્રેસના ટેકા સાથેના ઉમેદવાર આર. કે. આનંદ ચૂંટણી હારી ગયા હતા.

 કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી બી. કે. હરિપ્રસાદે જણાવ્યું હતું કે પાર્ટી આજે આ વિશે ચૂંટણીપંચનો સંપર્ક કરશે. હરિપ્રસાદને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે શું પાર્ટી ચૂંટણીમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી. એસ. હુડ્ડા દ્વારા નકારાત્મક ભૂમિકા ભજવાઈ હોવાનું માને છે? આ પ્રશ્નનો જવાબ હરિપ્રસાદે નકારમાં આપ્યો હતો.

 હરિપ્રસાદે આરોપ મૂક્યો હતો કે ચૂંટણીમાં જાણી જોઈને છેતરપિંડી કરવામાં આવી છે અને મત માર્ક કરવાની પેન બદલી નાખવામાં આવી હતી જેથી કૉન્ગ્રેસના મતો અયોગ્ય ઘોષિત થાય. કૉન્ગ્રેસના ૧૪ વિધાનસભ્યોના મત અયોગ્ય ઘોષિત કરવામાં આવ્યા હતા એટલે આર. કે. આનંદ ચૂંટણી હારી ગયા હતા. સામાન્ય સંજોગોમાં આર. કે. આનંદ જીતે એવી શક્યતા હતી.

પોતાના તરફથી સ્પષ્ટીકરણ આપતાં બી. એસ. હુડ્ડાએ કહ્યું હતું કે ‘આ માટે ચૂંટણીપંચ દ્વારા તપાસની માગણી થવી જોઈએ. એટલે સાચી હકીકત ૨૪ કલાકમાં બહાર આવશે.’

આર. કે. આનંદની હારની કૉન્ગ્રેસે અપેક્ષા રાખી નહોતી. કૉન્ગ્રેસ છેલ્લે સુધી એ વિશ્વાસમાં રહી હતી કે એની ભારતીય જનતા પાર્ટી સમર્થિત ઉમેદવાર સુભાષ ચંદ્રાને હરાવવાની રણનીતિ સફળ રહેશે.