હરિયાણામાં BJPના પ્રધાનના બૅન્ક્વેટ હૉલના વૉશરૂમમાં શિવાજી મહારાજ અને રાણી પદ‍્મિનીની તસવીરો

24 February, 2026 10:41 AM IST  |  Haryana | Gujarati Mid-day Correspondent

કહેવાય છે કે આ બૅન્ક્વેટ હૉલ રાજ્યના પરિવહનપ્રધાન મૂલચંદ શર્માની માલિકીનો છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

હરિયાણામાં સિકરી શહેરમાં આવેલા મિલન બૅન્ક્વેટ હૉલમાં છત્રપતિ શિવાજી મહારાજ અને રાણી પદ‍્મિનીનાં ચિત્રોનો ઉપયોગ વૉશરૂમના સંકેત તરીકે કરવામાં આવ્યા બાદ લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. કહેવાય છે કે આ બૅન્ક્વેટ હૉલ રાજ્યના પરિવહનપ્રધાન મૂલચંદ શર્માની માલિકીનો છે.

આ વૉશરૂમનાં સાઇનેજ દર્શાવતો એક વિડિયો વાઇરલ થયો છે. આ ટૂંકી ક્લિપમાં પુરુષો અને સ્ત્રીઓ માટે ચિહ‍્નિત દરવાજા પર ઐતિહાસિક વ્યક્તિઓની ફ્રેમ કરેલી તસવીરો લગાવવામાં આવી છે. આ તસવીરો જોયા બાદ લોકોમાં તીવ્ર આક્રોશ છે અને ઘણા લોકોએ એને ભારતભરમાં ખૂબ જ આદરણીય પ્રતિમાઓનું અપમાન ગણાવ્યું છે. લોકોએ આ બૅન્ક્વેટ હૉલના માલિકો સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. સોશ્યલ મીડિયા યુઝર્સે આ કૃત્યને અસંવેદનશીલ અને અપમાનજનક ગણાવ્યું છે અને તાત્કાલિક આ તસવીરો દૂર કરવાની અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. આ મુદ્દે અધિકારીઓએ હજી સુધી કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. ઘણા યુઝર્સે સવાલ કર્યો છે કે આવી મહાન હસ્તીઓની તસવીરોનો ઉપયોગ આમ કેવી રીતે થઈ શકે? શું તેઓ દંતકથારૂપ મહાનુભાવોની તસવીરો ક્યાં મૂકવી એ અંગે કોઈ શિષ્ટાચાર જાણતા નથી?

national news india haryana shivaji maharaj bhartiya janta party bjp bharatiya janata party viral videos