રોહતકની બહાદુર બહેનોને પ્રજાસત્તાક દિવસે સલામ કરશે હરિયાણા સરકાર

02 December, 2014 06:06 AM IST  | 

રોહતકની બહાદુર બહેનોને પ્રજાસત્તાક દિવસે સલામ કરશે હરિયાણા સરકાર





હરિયાણા રોડવેઝની ચાલતી બસમાં છેડતી કરનારા ત્રણ વંઠેલ યુવાનોને મેથીપાક ચખાડી ચૂકેલી રોહતકની બે બહાદુર બહેનોનું તેમણે દેખાડેલી હિંમત બદલ રાજ્ય સરકાર પ્રજાસત્તાક દિવસે સન્માન કરશે. શુક્રવારે બનેલી આ ઘટનાને પગલે દેશભરમાં રોષ ફાટી નીકળ્યા પછી હરિયાણા સરકારે ગઈ કાલે બસના કન્ડક્ટર અને ડ્રાઇવરને સસ્પેન્ડ કર્યા હતા, જ્યારે ત્રણેય આરોપીઓને છઠ્ઠી ડિસેમ્બર સુધી જુડિશ્યલ કસ્ટડીમાં રિમાન્ડ પર લેવાનો આદેશ અદાલતે આપ્યો હતો.

મહિલાઓની સલામતી

આ ઘટનાની ગંભીર નોંધ લેતાં હરિયાણા સરકારે રાજ્યના પોલીસ ચીફ અને પરિવહન વિભાગને સરકારી બસોમાં પ્રવાસ કરતી મહિલાઓની સલામતી સુનિિત કરવાનો આદેશ આપ્યો હતો. મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું હતું કે આ બન્ને બહેનોએ દાખવેલી અસાધારણ હિંમત માટે તેમને પ્રજાસત્તાક દિવસે કૅશ અવૉર્ડ આપવામાં આવશે.

ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં કેસ

રોહતકના પોલીસ ચીફ શશાંક આનંદે જણાવ્યું હતું કે આરોપીઓને ઝડપથી સજા થઈ શકે એ માટે અમે આ કેસને ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં લઈ જવાના ગંભીર પ્રયાસો કરીશું. બન્ને બહેનોના પેરન્ટ્સે નોંધાવેલી પોલીસ-ફરિયાદમાં જણાવ્યું હતું કે ત્રણેય આરોપીઓ કુલદીપ, મોહિત અને દીપક રોહતકના કાંસલા ગામે બસમાંથી ઊતરી ગયા હતા. બન્ને બહેનોના પિતાએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ-ફરિયાદ પાછી ખેંચી લેવા પંચાયત અમને દબાણ કરી રહી છે.

ગામ લોકોનું અલ્ટિમેટમ

ત્રણેય આરોપીઓને ૨૪ કલાકમાં છોડી મૂકવાનું અલ્ટિમેટમ પણ કાંસલા ગામના રહેવાસીઓએ પોલીસને આપ્યું છે. કાંસલાના લોકોએ આ ઘટનાના વિરોધમાં આજે રસ્તાઓ પર ચક્કાજામ કરવાની ધમકી આપી છે. આ બાબતે પૂછવામાં આવતાં શશાંક આનંદે કહ્યુ હતું કે કાયદાનું ઉલ્લંઘન કરશે એ લોકો સામે અમે આકરાં પગલાં લઈશું.

સીટનો ઝઘડો

ગામના યુવાનોને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરતાં કાંસલાના લોકોએ જણાવ્યું હતું કે આ કિસ્સો છેડતીનો નહીં, પણ સીટ માટે થયેલા ઝઘડાનો છે. આરોપી યુવાનોને જે સીટ્સ ફાળવવામાં આવી હતી એના પર બન્ને બહેનો બેસવા માગતી હતી. એમાંથી ઝઘડો થયો હતો.

બહાદુર બહેનોનાં વખાણ

આ ઘટના વિશે પ્રતિભાવ આપતાં કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ કહ્યું હતું કે ‘છેડતી કરનારાઓ સાથે બન્ને બહેનોએ જે કર્યું તે બધી મહિલાઓએ કરવું જોઈએ. આવી ઘટના બને ત્યારે તમાશો જોવાને બદલે લોકોએ મહિલાઓની મદદ કરવી જોઈએ.’

બહાદુર બહેનોનાં વખાણ કરતાં રાષ્ટ્રીય મહિલા પંચનાં અધ્યક્ષ લલિતા કુમારમંગલમે કહ્યું હતું કે ‘છેડતી કરનારાઓનો સામનો કરવાની હિંમત બહુ ઓછી છોકરીઓ કરતી હોય છે. સરકારે આરોપીઓ સામે આકરાં પગલાં લેવાં જોઈએ.’

મહિલાઓ પર જાહેર સ્થળે તમામ પ્રકારનાં જોખમ ઝળૂંબતાં હોય છે એ આ ઘટનાએ પણ સાબિત કર્યું છે એમ જણાવતાં કેન્દ્રીય પ્રધાન નર્મિલા સીતારામને કહ્યું હતું કે ‘કેન્દ્ર અને રાજ્ય સરકાર આવા કિસ્સામાં આકરાં પગલાં નહીં લે તો જાહેર સ્થળોએ મહિલાઓ ક્યારેય સલામત નહીં રહે. કેન્દ્રીય ગૃહમંત્રાલય સમક્ષ મહિલાઓની સલામતી વિશે રજૂઆત કરવામાં આવશે.’

બે આરોપીની નોકરી પણ ગઈ

રોહતકમાં બે બહેનોની છેડતી કર્યા પછી પોલીસ કેસ થયા બાદ ત્રણ આરોપીઓ પૈકીના બેને વધુ એક ફટકો પડ્યો છે. આ બે આરોપીઓએ લશ્કરની નોકરી મેળવવા માટેની બધી પરીક્ષાઓ પાસ કરી લીધી હતી. થોડા દિવસમાં તેમણે નોકરી જોઇન કરવાની હતી, પરંતુ હવે લશ્કરે જાહેરાત કરી છે કે આરોપી યુવકોને હાલ નોકરી આપવામાં નહીં આવે. જેમની સામે ક્રિમિનલ કેસ હોય તેવા લોકોને લશ્કરમાં નોકરી નથી આપવામાં આવતી.