હરિયાણામાં હવે BJP-JJPની સરકાર, ચૂંટાયેલા ધારાસભ્યોએ લીધા શપથ

27 October, 2019 05:02 PM IST  |  ચંડીગઢ

હરિયાણામાં હવે BJP-JJPની સરકાર, ચૂંટાયેલા ધારાસભ્યોએ લીધા શપથ

હરિયાણામાં બની નવી સરકાર

હરિયાણામાં આજે નવી સરકારે સત્તા સંભાળી લીધી છે. રાજભવનમાં થયેલા નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં મનોહરલાલે મુખ્યમંત્રી અને દુષ્યંત ચૌટાલાએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યએ તેમને શપથ અપાવ્યા. સમારોહમાં અન્ય કોઈ મંત્રીને શપથ નથી લેવડાવવામાં આવ્યા. શપથ ગ્રહણ સમારોહમાં ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડ્ડા સહિતના નેતાઓ હાજર રહ્યા.

શપથ ગ્રહણ સમારોહમાં હરિયાણા ભાજપના પ્રભારી ડૉ. અનિલ જૈન, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુભાષ બરાલા અને કેન્દ્રીય મંત્રી રતનલાલ કટારિયા પણ હાજર રહ્યા. દુષ્યંત ચૌટાલાના પિતા ડૉ. અજય ચૌટાલા અને તેનો પરિવાર પણ હાજર હતો.

જણાવી દઈએ કે હરિયાણામાં મુખ્યમંત્રી સિવાય 13 મંત્રી બનાવવામાં આવી શકે છે. જેમાંથી 8 મંત્રી પદ ભાજપ અને ડેપ્યુટી સીએમ સહતિ પાંચ મંત્રી પદ જજપા પાસે જઈ શકે છે. જેપી નડ્ડાએ મુખ્યમંત્રી મનોહરલાલ સાથે શપથગ્રહણ પહેલા તેમના ઘરે ચર્ચા કરી. બાદમાં તેમને રાજ્યપાલે શપથ અપાવ્યા અને નવી સરકારના કાર્યકાળની શરૂઆત થઈ.

57 વર્ષ બાદ સતત બીજી વાર બિન કોંગ્રેસી સરકાર
ભાજપ કુલ 57 ધારાસભ્યોનું સમર્થન મેળવ્યું છે. ભાજપ પાસે 40 બેઠકો છે જ્યારે જનનાયક જનતા પાર્ટી પાસે 10 ધારાસભ્યોની સાથે સાત અપક્ષ ધારાસભ્યોએ શરત વગર સમર્થન આપવાનું એલાન કર્યું છે. પરિણામો બાદ ભાજપે જજપા સાથે ગઠબંધન કરવાનું એલાન કર્યું હતું.

haryana bharatiya janata party