દોષી હોઉં તો મને એવી ફાંસી મળવી જોઈએ કે ૧૦૦ વર્ષ લોકો યાદ રાખે : મોદી

26 July, 2012 08:53 AM IST  | 

દોષી હોઉં તો મને એવી ફાંસી મળવી જોઈએ કે ૧૦૦ વર્ષ લોકો યાદ રાખે : મોદી

 

ગુજરાતનાં રમખાણોને મુદ્દે ભાગ્યે જ કશું બોલવાનું પસંદ કરતા મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને જ્યારે એક ઉર્દૂ અખબાર દ્વારા આ રમખાણો બદલ દેશની માફી માગશો એવો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે મોદીએ કહ્યું હતું કે ‘માફીનો સવાલ જ પેદા થતો નથી; કારણ કે જો મેં ગુનો કર્યો હોય તો મને માફી મળવી જોઈએ નહીં, મને ફાંસીએ લટકાવી દેવો જોઈએ. મને એ રીતે ફાંસી એ લટકાવવો જોઈએ કે ૧૦૦ વર્ષ સુધી કોઈ આવું કૃત્ય કરે નહીં એવો લોકોને પાઠ મળે.’

ઉર્દૂ અખબાર ‘નઈ દુનિયા’ના તંત્રી અને સમાજવાદી પાર્ટીના સંસદસભ્ય શાહિદ સિદ્દીકીએ મોદીની મુલાકાત લીધી હતી. સિદ્દીકીએ સવાલ કર્યો હતો કે સિખ રમખાણો માટે સોનિયા ગાંધી, મનમોહન સિંહ તથા રાજીવ ગાંધીએ પણ માફી માગી છે તો પછી (ગુજરાતનાં રમખાણો બદલ) તમે શા માટે માફી નથી માગતા? આ સવાલનો મોદીએ ઉપરોક્ત જવાબ આપ્યો હતો. મોદીએ એમ પણ કહ્યું હતું કે જો હું નિર્દોષ હોઉં તો પછી દેશ અને ખાસ કરીને મિડિયાએ મારી માફી માગવી જોઈએ.

સિદ્દીકીએ કહ્યું હતું કે આ મુલાકાત માટે તેમણે નરેન્દ્ર મોદીના કાર્યાલયનો સંપર્ક કર્યો હતો તથા કહ્યું હતું કે તેઓ ગુજરાતનાં રમખાણોના મુદ્દે સવાલ પૂછવા માગે છે. બાદમાં મોદીએ તેમને મુલાકાત આપી હતી. મોદીએ મિડિયા પર છેલ્લાં ૧૦ વર્ષથી તેમની સાથે અન્યાય કરવાનો આક્ષેપ મૂક્યો હતો. મોદીના સ્ટેટમેન્ટ બાદ રાજકીય પાર્ટીઓએ તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. કૉન્ગ્રેસના નેતા અને કાનૂનપ્રધાન સલમાન ખુરશીદે કહ્યું હતું કે મોદીએ જે કશું કહેવું હોય તો તેમણે મિડિયાને નહીં પણ કોર્ટમાં કહેવું જોઈએ, જ્યારે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને કહ્યું હતું કે જમીનથી લઈને આકાશ સુધી કોઈ મોદીને માફ કરશે નહીં.

વડા પ્રધાન નથી બનવું : મોદી

ઇન્ટરવ્યુમાં મોદીને પૂછવામાં આવ્યું હતું કે તેઓ શા માટે વડા પ્રધાન બનવા માગે છે ત્યારે જવાબમાં તેમણે કહ્યું હતું કે હું વડા પ્રધાન બનવા માગતો નથી, હું માત્ર ગુજરાતના વિકાસ અને ગુજરાતીઓ વિશે જ વિચારું છું. મુંબઈમાં બૉલીવુડના લેખક સલીમ ખાન સાથેની બેઠક બાદ શાહિદ સિદ્દીકીએ મોદીનો ઇન્ટરવ્યુ લેવાનો નિર્ણય કર્યો હતો. સલીમ ખાને સિદ્દીકીને કહ્યું હતું કે ગુજરાતનાં રમખાણો તથા મુસ્લિમોને લઈને મોદીની વિચારસરણીમાં પરિવર્તન આવી રહ્યું છે.