જ્ઞાનવાપી મસ્જિદ : સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે ઉપાસના સ્થળ વિશે જજ તપાસ કરાવી શકે

21 May, 2022 10:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટે ગઈ કાલે જ્ઞાનવાપી મસ્જિદ પર હિન્દુ શ્રદ્ધાળુઓના દાવાને સિવિલ જજ (સિનિયર ડિવિઝન)થી વારાણસીના ડિસ્ટ્રિક્ટ જજની અદાલતમાં ટ્રાન્સફર કર્યો હતો.

વારાણસીમાં ગઈ કાલે શુક્રવારની નમાજ પઢવા માટે જ્ઞાનવાપી મસ્જિદમાં એકત્ર થયેલા મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો.

નવી દિલ્હી (પી.ટી.આઇ.) : સુપ્રીમ કોર્ટે ગઈ કાલે જ્ઞાનવાપી મસ્જિદ પર હિન્દુ શ્રદ્ધાળુઓના દાવાને સિવિલ જજ (સિનિયર ડિવિઝન)થી વારાણસીના ડિસ્ટ્રિક્ટ જજની અદાલતમાં ટ્રાન્સફર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ મુદ્દાની જટિલતા અને સંવેદનશીલતાને જોતા જિલ્લા જજ આ કેસમાં સુનાવણી કરે એ વધુ યોગ્ય રહેશે. 
જસ્ટિસ ડી. વાય. ચન્દ્રચુડ, સૂર્યકાંત અને પી. એસ. નરસિંહાની બેન્ચે સ્પષ્ટ જણાવ્યું હતું કે એનો અર્થ એ ન સમજવામાં આવે કે સિવિલ જજ (સિનિયર ડિવિઝન) વિશે કોઈ કમેન્ટ કરવામાં આવી છે કે જેઓ આ પહેલાં આ કેસમાં સુનાવણી કરી રહ્યા હતા. 
મુસ્લિમ પક્ષ તરફથી સુપ્રીમમાં માગણી કરવામાં આવી હતી કે જો યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ છે તો એનો અર્થ એ થયો કે અમુક એરિયામાં શિવલિંગ મળ્યું હોવાનું જણાવીને મુસલમાનોને જવા દેવામાં આવતા નથી તો આ બીજા પક્ષની જીત રહેશે. મુસ્લિમ પક્ષકારો તરફથી વારંવાર દલીલ કરવામાં આવી હતી કે આ સ્થળનું ધાર્મિક ચરિત્ર બદલવામાં આવ્યું છે. 
મુસ્લિમ પક્ષકારો તરફથી વારંવાર દલીલ કરવામાં આવી રહી છે કે આ મામલે સૌપ્રથમ નીચલી કોર્ટમાં સુનાવણી કરવાની કોઈ જરૂર જ નહોતી કે કોઈ કમિશન બનાવવાની જ જરૂર નહોતી. એટલે અદાલતે જણાવ્યું હતું કે સૌથી પહેલાં તમારી અરજી સાંભળવામાં આવશે, બાકી કાર્યવાહી જિલ્લા જજ નક્કી કરશે. 
મુસ્લિમ પક્ષકાર તરફથી વારંવાર ૧૯૯૧ વર્શિપ અૅક્ટના હવાલાથી કહેવામાં આવ્યું છે કે કમિશન બનાવવા કે જ્ઞાનવાપી મસ્જિદની હકીકત જાણવાની જરૂર જ નહોતી. આ કાયદા હેઠળ કોઈ પણ ઉપાસના સ્થળના ધાર્મિક ચરિત્રના પરિવર્તન પર પ્રતિબંધ છે. 
જેના વિશે સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે જો કોઈ ધાર્મિક સ્થ‍ળને લઈને વિવાદ હોય, બીજા ધર્મના પ્રતીકો મળતા હોય તો એના ધાર્મિક ચરિત્ર વિશે જજ તપાસ કરાવી શકે છે. જો આવી તપાસ કરવામાં આવે તો એનાથી અૅક્ટનો ભંગ થતો નથી. 

national news