06 August, 2025 06:57 AM IST | Haryana | Gujarati Mid-day Online Correspondent
ગુરમીત રામ રહીમ (ફાઇલ તસવીર)
રક્ષાબંધન (Raksha Bandhan 2025) પહેલા હરિયાણા (Haryana) સરકારે ફરી એકવાર ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ (Gurmeet Ram Rahim Singh)ને ૪૦ દિવસના પેરોલ મંજૂર કર્યા છે. આ કારણે રામ રહીમ મંગળવારે પાંચ ઓગસ્ટના રોજ સવારે ૬.૩૦ વાગ્યે રોહતકની સુનારિયા જેલ (Rohtak jail Sunarian)થી પોતાના કાફલા સાથે સિરસા (Sirsa) ડેરા જવા રવાના થયા હતા.
ડેરા સચ્ચા સૌદા (Dera Sacha Sauda)ના ગુરમીત રામ રહીમને આ વર્ષે ત્રીજી વાર પેરોલ (Gurmeet Ram Rahim Singh gets 40-day Parole) મળી છે. ૧૫ ઓગસ્ટે કેદી રામ રહીમનો જન્મદિવસ છે. સિરસા ડેરામાં રક્ષાબંધન પછી જન્મદિવસ ઉજવવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. સાધ્વી જાતીય સતામણી કેસમાં દોષિત ઠેરવ્યા બાદ રામ રહીમ ૨૦૧૭ થી રોહતક (Rohtak)ની સુનારિયા જેલમાં સજા કાપી રહ્યા છે. આ પહેલા તેઓ એપ્રિલમાં ૨૧ દિવસના પેરોલ પર જેલમાંથી બહાર આવ્યા હતા. તે સમયગાળામાં ડેરા સચ્ચા સૌદાનો સ્થાપના દિવસ હતો.
ગુરમીત રામ રહીમનું જેલમાંથી બહાર આવવું એ કોઈ નવી વાત નથી. અગાઉ ડેરા પ્રમુખ રામ રહીમને એપ્રિલમાં ૨૧ દિવસની રજા મળી હતી. તે દરમિયાન ૨૯ એપ્રિલ ડેરા સચ્ચા સૌદાનો સ્થાપના દિવસ હતો. હરિયાણા (Haryana), પંજાબ (Punjab), રાજસ્થાન (Rajasthan) અને દિલ્હીમાં (Delhi) ચૂંટણીઓને લઈને તેમને પેરોલ અને ફર્લો મળી રહ્યા છે. જોકે, તેમને ચૂંટણી સંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લેવા, ભાષણો આપવા અને ચૂંટણી સમયગાળા દરમિયાન રાજ્યોમાં રહેવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. છેલ્લી વખત તેઓ ૧૦ એપ્રિલે ૨૧ દિવસની ફર્લો પર જેલમાંથી બહાર આવ્યા હતા. જે સિરસા ડેરામાં જ વિતાવી હતી.
તમને જણાવી દઈએ કે, જેલમાં ચોક્કસ સમય વિતાવ્યા પછી અને યોગ્ય વર્તન કર્યા પછી જ કોર્ટમાં પેરોલ અને ફર્લોની પ્રક્રિયા શરૂ થાય છે. જોકે, સજામાં પેરોલનો સમયગાળો ઉમેરવામાં આવતો નથી, જ્યારે સજામાં જ ફર્લોનો સમયગાળો ઉમેરવામાં આવે છે. ૨૦૨૫માં, રામ રહીમ ત્રીજી વખત જેલમાંથી બહાર આવ્યો છે. તેને ફેબ્રુઆરી અને એપ્રિલમાં ૨૧ દિવસનો ફર્લો મળ્યો છે. ઉપરાંત, ૨૦૧૭થી તેને ૧૪મી વખત પેરોલ અથવા ફર્લો મળ્યો છે.
નોંધનીય છે કે, ડેરાની બે સાધ્વીઓના જાતીય શોષણના કેસમાં પંચકુલા (Panchkula)ની સીબીઆઈ કોર્ટ (CBI Court)એ ઓગસ્ટ ૨૦૧૭માં ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમને દોષિત ઠેરવ્યા હતા અને તેમને ૧૦ વર્ષની જેલની સજા ફટકારી હતી અને ૩૦,૨૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ કેસમાં છ વર્ષ પછી સીબીઆઈ દ્વારા પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. સીબીઆઈએ કહ્યું હતું કે, જાતીય શોષણ વર્ષ ૧૯૯૯માં થયું હતું પરંતુ નિવેદન વર્ષ ૨૦૦૫માં નોંધવામાં આવ્યું હતું.