ગુજરાતીઓએ એક થઈ મોદી-અમિત શાહને સપોર્ટ કરતાં શિવસેનાના સિનિયર નેતાઓ હાર્યા

27 October, 2014 03:44 AM IST  | 

ગુજરાતીઓએ એક થઈ મોદી-અમિત શાહને સપોર્ટ કરતાં શિવસેનાના સિનિયર નેતાઓ હાર્યા




વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી કોઈ પણ પક્ષને સરકાર રચવા જેવી પૂર્ણ બહુમતી ન મળી એ બાબતની સમીક્ષા કરતાં શિવસેનાના રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે જણાવ્યું હતું કે ‘જો શિવસેના અને BJP સાથે મળીને આ ચૂંટણી લડ્યાં હોત તો યુતિએ ૨૦૦ કરતાં વધારે બેઠકો જીતી હોત. જોકે મતદારોએ બન્ને પક્ષોને એવી સ્થિતિમાં મૂક્યા છે કે સાથે મળીને સરકાર રચી શકે.’

શિવસેનાના મુખપત્ર ‘સામના’ના એક્ઝિક્યુટિવ એડિટરનો હોદ્દો પણ સંભાળતા સંજય રાઉતે તેમની સાપ્તાહિક કૉલમમાં તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના ગુજરાતી સમાજે શિવસેના વિરુદ્ધ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તરફેણમાં મતદાન કર્યું હોવાનો મત દર્શાવતાં લખ્યું હતું કે ‘ગુજરાતીઓ મહારાષ્ટ્રમાં ઘણા વખતથી રહેતા હોવા છતાં તેઓ હિન્દુત્વના મુદ્દે બાળાસાહેબના ઉપકારો ભૂલી ગયા અને મોદી તથા અમિત શાહ ગુજરાતના હોવાથી તેમને સપોર્ટ કરવા એક થઈ ગયા.’

જોકે તેમણે પોતાની બાજુ સલામત કરતાં એમ પણ લખ્યું છે કે આ ચૂંટણીનું નિખાલસ ઍનૅલિસિસ કરતાં શિવસેનાએ ગુજરાતીવિરોધી વલણ લીધું હોવાનું ક્યાંય જણાતું નથી.

તેમણે ગુજરાતીઓએ શિવસેનાવિરોધી મતદાન કર્યું હોવાનું સિદ્ધ કરવાના પ્રયાસમાં ગોરેગામમાં સુભાષ દેસાઈ, દહિસરમાં વિનોદ ઘોસાળકર અને કોલાબામાં પાંડુરંગ સકપાળ જેવા સિનિયર નેતાઓની હારનાં ઉદાહરણો આપ્યાં હતાં.

તેમણે કહ્યું હતું કે શિવસેનાના નેતાઓએ સારું કામ કર્યા છતાં તેમની હાર એ જ સૂચવે છે કે મહારાષ્ટ્રે ફરી એક વખત નરેન્દ્ર મોદીને નામે મત આપ્યા છે અને BJP સફળ થઈ છે.

અલગ વિદર્ભને BJPનો ટેકો અને મોદી મુંબઈનું મહત્વ ઓછું આંકવા માગતા હોવાની અટકળોના સંદર્ભમાં સંજય રાઉતે લખ્યું છે કે ‘આ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાં મહારાષ્ટ્રને શું મળ્યું? સંયુક્ત મહારાષ્ટ્ર અને મુંબઈના સ્ટેટસને નામે અનિશ્ચિતતાનાં વાદળાં.’

સંજય રાઉતે પરિણામોની સમીક્ષામાં જણાવ્યું છે કે ‘શિવસેનાના ૧૭ ઉમેદવારો માત્ર ૪૯થી ૧૫૦૦ મતના માર્જિનથી જીત્યા છે. એ ઉમેદવારો મનીપાવર અને મસલપાવરને કારણે હાર્યા છે. આ ચૂંટણીમાં શિવસેનાને ૮૦થી વધારે બેઠકો મળી હોત. થાણે અને પુણેના પટ્ટામાં શિવસેનાના વોટ પ્ફ્લ્એ ખેંચ્યા. એનો લાભ BJPને કલ્યાણ, ડોમ્બિવલી અને પુણેમાં થયો.’