બધા ગુજરાતીઓ જુઠ્ઠાડા : મુલાયમ સિંહ

19 November, 2014 03:27 AM IST  | 

બધા ગુજરાતીઓ જુઠ્ઠાડા : મુલાયમ સિંહ




સમાજવાદી પક્ષના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ તેમનાં નિવેદનોને કારણે હંમેશાં ચર્ચામાં રહેતા હોય છે, પણ સોમવારે તો તેમણે હદ કરી નાખી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરના સૌથી આકરા શાબ્દિક હુમલામાં મુલાયમ સિંહ યાદવે સોમવારે કહ્યું હતું કે બધા ગુજરાતીઓ જુઠ્ઠાડા હોય છે. સાર્વત્રિક વિકાસનું વચન નહીં પાળવા બદલ નરેન્દ્ર મોદીની ઝાટકણી કાઢતાં મુલાયમ સિંહ યાદવે એમ પણ કહ્યું હતું કે ‘ગુજરાત કે લોગોં કો જૂઠ બોલને કી આદત હૈ. જે વ્યક્તિ આપેલું વચન પાળવામાં નિષ્ફળ રહે તે મારી નજરમાં કરપ્ટ છે.’

સમાજવાદી પક્ષના રાષ્ટ્રીય મહિલા સંમેલનને લખનૌમાં સંબોધન કરતાં મુલાયમ સિંહ યાદવે મહિલા સશક્તિકરણના ખોટા વચનના મુદ્દે પણ નરેન્દ્ર મોદીની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે ‘જે માણસ મહિલા સશક્તિકરણની વાત કરતો હોય તેને એ ખબર હોવી જોઈએ કે તેની પોતાની પત્ની ક્યાં છે?’

અસલી સ્વચ્છતા

નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન વિશે મુલાયમ સિંહે યાદવે કહ્યું હતું કે ‘ગંદકી ગરીબના ઘરમાં હોય છે, અમીરોના ઘરમાં નહીં. અસલી સફાઈ કોને કહેવાય? ગરીબી હટાવવાથી અસલી સફાઈ થાય છે.’

ઓઝલ ફગાવો

ઓઝલની પરંપરાને ફગાવી દેવાની હાકલ કરતાં મુલાયમ સિંહ યાદવે કહ્યું હતું કે ‘પરદો એટલે કે ઓઝલ દુષ્ટ પરંપરા છે. ઓઝલ મહિલાઓની પ્રગતિમાં અંતરાયરૂપ હોવાથી આ પરંપરાને પડતી મૂકવી જોઈએ. દૂરના ભૂતકાળમાં આ પરંપરાનું અસ્તિત્વ જ નહોતું. સીતા કે દ્રૌપદી ક્યારેય ઓઝલમાં રહ્યાં હતાં? કેટલાક એવા સંજોગોનું નિર્માણ થયું કે જેને કારણે મહિલાઓએ પરદામાં રહેવાની ફરજ પડી હતી. મહિલાઓમાંની લઘુતાગ્રંથિને દૂર કરવા માટે આપણે કામ કરવું પડશે. પરદા સિસ્ટમ ખોટી છે અને એને દૂર કરવી જ પડશે.’ 

મુલાયમ સિંહનાં નાનાં પુત્રવધૂ પણ છે નરેન્દ્ર મોદીનાં પ્રશંસક

બેધડક વિધાનો કરીને સમાજવાદી પાર્ટીને ઘણી વાર મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકી ચૂકેલાં પક્ષના વડા મુલાયમ સિંહ યાદવનાં નાનાં પુત્રવધૂ અપર્ણા યાદવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યા છે. મુલાયમ સિંહના પુત્ર પ્રતીકનાં પત્ની અપર્ણાએ નરેન્દ્ર મોદીનાં વખાણ કરતાં કહ્યું છે કે ‘સ્વચ્છ ભારત અભિયાન સારી બાબત છે. નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીની વિચારધારાને આગળ ધપાવી રહ્યા છે અને ઉત્તમ રોલ મૉડલ સ્વરૂપે ઊભરી રહ્યા છે.’

અપર્ણા યાદવ રાજકીય રીતે અત્યારે તો સક્રિય નથી, પણ પોતાની જેઠાણી ડિમ્પલ યાદવની માફક રાજકારણમાં ઝંપલાવવા તૈયાર છે એવો સંકેત આપી ચૂક્યાં છે. સમાજવાદી પક્ષના નેતાઓ આ મુદ્દે ચૂપ છે, પણ સત્તાની પરસાળમાં અપર્ણા યાદવના આ નિવેદનને ઘરનો ઝઘડો શેરીમાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.