29 May, 2025 07:59 AM IST | Dehradun | Gujarati Mid-day Correspondent
૧૭,૩૪૬ ફુટ ઊંચા માઉન્ટ ફ્રેન્ડશિપ શિખર પર પહોંચીને ગુજરાતના યુવાનોએ તિરંગો લહેરાવવા સાથે દેશના અન્ય યુવાનોમાં નશાવિરોધી જાગૃતિ માટેનો મેસેજ ફેલાવ્યો હતો.
ગુજરાતના ૧૫ પર્વતારોહકની ટીમે હિમાચલ પ્રદેશની પીર પંજાલ રેન્જમાં આવેલો ૧૭,૩૪૬ ફુટ ઊંચો માઉન્ટ ફ્રેન્ડશિપ સર કર્યો છે. દુર્ગમ ચડાણ અને નીચા તાપમાનનો સામનો કરીને સફળતાપૂર્વક શિખર પર પહોંચીને આ પર્વતારોહકોએ તિરંગો લહેરાવ્યો હતો અને દેશના યુવાનોમાં નશાવિરોધી જાગૃતિ માટેનો મેસેજ ફેલાવ્યો હતો.
આ ટીમના વડોદરાના શીલ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્વૈચ્છિક સંસ્થા ઇન્વિન્સિબલ દ્વારા યુથને મોટિવેટ કરવા માટે નો-ડ્રગ્સ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યારે ડ્રગ્સની સમસ્યા છે ત્યારે યુથ સ્પોર્ટ્સ, માઉન્ટેનિયરિંગ, ટ્રેકિંગ સહિતની ઍક્ટિવિટી તરફ વળે અને પ્રોત્સાહિત થાય એ માટે અમે પર્વતારોહણ કર્યું હતું. ૨૦ મેએ મનાલીથી શરૂઆત કરી હતી અને ૨૫ મેએ શિખર પર પહોંચી ગયા હતા. અહીં અમે દેશનો તિરંગો લહેરાવ્યો હતો અને એની સાથે નો-ડ્રગ્સનો મેસેજ આપ્યો હતો. મારી સાથે જૂનાગઢથી કુશ વાછાણી, ડૉ. ગોપાલ રાઠોડ, ડૉ. સતીશ ઘેલાણી ઉપરાંત અમરેલી, અમદાવાદ અને વડોદરાના મળીને કુલ ૧૫ લોકો હતા જેમાં એક મહિલા ટીચર અંતરાબહેન અમદાવાદથી આવ્યાં હતાં. દુર્ગમ માર્ગ, બરફઆચ્છાદિત વાતાવરણ સહિતની અડચણો પાર કરીને અમે અમારા લક્ષ્ય પર પહોંચ્યા હતા અને તિરંગો લહેરાવીને નો-ડ્રગ્સનો મેસેજ સ્પ્રેડ કર્યો ત્યારે હૃદયને શાંતિ મળી હતી અને જીવનમાં કંઈક કર્યું હોવાનો અહેસાસ થયો હતો.’