નરેન્દ્ર મોદી માટે દિલ્હી હજી દૂર : સંઘ ટેકો નહીં આપે

24 October, 2012 03:05 AM IST  | 

નરેન્દ્ર મોદી માટે દિલ્હી હજી દૂર : સંઘ ટેકો નહીં આપે



ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી માટે દિલ્હી હજી દૂર છે. જાણવા મળ્યાં પ્રમાણે આરએસએસ અને બીજેપીના મોટા ભાગના નેતાઓ મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવાના વિરોધમાં છે. બીજેપીના નેતાઓનો અભિપ્રાય મેળવ્યા બાદ સંઘ પરિવારે મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર નહીં જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આરએસએસના મતે મોદીનું નામ આગળ કરવાથી બીજેપીને નુકસાન થઈ શકે છે. સંઘના મતે મોદીને વડા પ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવાથી કૉન્ગ્રેસ સહિત અનેક પાર્ટીઓ બિનસાંપ્રદાયિકતાના મુદ્દે બીજેપીને ઘેરી શકે છે, જ્યારે એનડીએના કેટલાક સાથીપક્ષો પણ આ મુદ્દે બીજેપીનો વિરોધ કરી શકે છે.

આરએસએસના નેતાઓ છેલ્લા કેટલાક દિવસોથી આ મુદ્દે બીજેપીના નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા. ખાસ કરીને આરએસએસના નેતા ભૈયાજી જોશી અને સુરેશ સોનીએ બીજેપીના નેતાઓ જેવા કે લાલકૃષ્ણ અડવાણી, રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ, મુરલી મનોહર જોશી તથા અરુણ જેટલી સાથે ચર્ચા કરી હતી. ગયા રવિવારે નરેન્દ્ર મોદીએ નાગપુરમાં આરએસએસના વડા મોહન ભાગવતની મુલાકાત લીધી હતી.

એનડીએના મહત્વના સાથીપક્ષ જેડીયુએ તો અગાઉથી જ સ્પષ્ટ કરેલું છે કે એ મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે ક્યારેય નહીં સ્વીકારે. જેડીયુના પ્રમુખ શરદ યાદવે અગાઉ મોદી નહીં પણ અડવાણીને વડા પ્રધાનપદ માટે સૌથી લાયક ઉમેદવાર ગણાવ્યા હતા.