રાહુલ ગાંધી સાથે હવે કોર્ટમાં જ લડીશ :સુબ્રમણ્યમ સ્વામી

03 November, 2012 07:52 AM IST  | 

રાહુલ ગાંધી સાથે હવે કોર્ટમાં જ લડીશ :સુબ્રમણ્યમ સ્વામી



જનતા પાર્ટીના પ્રમુખ સુબ્રમણ્યમ સ્વામીએ ગઈ કાલે રાહુલ ગાંધી સામે વળતો કેસ કરવાની ધમકી આપી હતી. અગાઉ ગુરુવારે સ્વામીએ સોનિયા ગાંધી અને તેમના પુત્રે ૧૬૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ પચાવી પાડી હોવાનો આક્ષેપ કર્યો હતો એ પછી રાહુલ ગાંધીએ સ્વામી સામે કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી હતી. ગઈ કાલે કૉન્ગ્રેસે સુબ્રમણ્યમ સ્વામીને બ્લફમાસ્ટર ગણાવીને ખોટા આક્ષેપો કરવા બદલ કિંમત ચૂકવવી પડશે એવી ચેતવણી આપી હતી.

કૉન્ગ્રેસના પ્રવક્તા પી. સી. ચાકોએ કહ્યું હતું કે કાયદામાં ઉપલબ્ધ તમામ વિકલ્પોનો ઉપયોગ કરીને સ્વામી સામે પગલાં ભરવામાં આવશે. આ તરફ બીજેપીએ પણ આ વિવાદમાં ઝુકાવતાં સ્વામીના આરોપો વિશે કૉન્ગ્રેસ પાસે સ્પષ્ટતાની માગણી કરી હતી. બીજેપીના નેતા અરુણ જેટલીએ સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીનું નામ લીધા વિના કહ્યું હતું કે રાજકીય ફન્ડનો કમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવો એ ખુદ રાજીવ ગાંધી દ્વારા ઘડવામાં આવેલા કાયદાનો ભંગ છે.

સુબ્રમણ્યમ સ્વામીએ ગુરુવારે નવી દિલ્હીમાં એવો આક્ષેપ કર્યો હતો કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ‘યંગ ઇન્ડિયા’ નામની કંપની બનાવી હતી. આ કંપનીએ ગત વર્ષે ફેબ્રુઆરીમાં ‘નૅશનલ હેરલ્ડ’ અને ‘કોમી આવાઝ’ નામનાં અખબારો બહાર પાડતી ‘અસોસિએટ જર્નલ્સ’ નામની કંપની ખરીદી લીધી હતી. આ કંપની હસ્તગત કરવામાં અનેક નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. આ માટે કૉન્ગ્રેસ પાર્ટી દ્વારા ૯૦ કરોડ રૂપિયાની વગર વ્યાજની લોન પણ આપવામાં આવી હતી. સ્વામીએ આ આક્ષેપો પુરવાર કરતા કંપની રજિસ્ટ્રારના દસ્તાવેજો હોવાનો દાવો કર્યો હતો.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી