પુલવામાના ત્રાલમાં આતંકવાદીઓનો ગ્રેનેડથી હુમલો, 8 નાગરિકો ઈજાગ્રસ્ત

02 January, 2021 03:49 PM IST  |  Srinagar | Gujarati Mid-day Online Correspondent

પુલવામાના ત્રાલમાં આતંકવાદીઓનો ગ્રેનેડથી હુમલો, 8 નાગરિકો ઈજાગ્રસ્ત

તસવીર સૌજન્ય: જાગરણ

જમ્મુ-કાશ્મીરમાં પુલવામા જીલ્લામાં ત્રાલ બસ સ્ટેન્ડ પર આજે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ ગ્રેનેડ હુમલામાં આઠ નાગરિકોને નજીવી ઈજાઓ થઈ છે. રાહતની વાત એ છે કે, ઈજાગ્રસ્તોના સ્વાસ્થ્યની સ્થિતિ સ્થિર છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે આપેલી માહિતી પ્રમાણે, આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જીલ્લામાં ત્રાલ બસ સ્ટેન્ડ પર સુરક્ષાકર્મીઓ પર ગ્રેનેડ ફેંક્યો હતો. પરંતુ ગ્રેનેડ ટાર્ગેટ પર ન લાગ્યો અને બજારમાં જ ફાટ્યો. તેની અડફેટે આવતા લગભગ આઠ જેટલા નાગરિકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને હૉસ્પિટલ ખસેડી વિસ્તારને કોર્ડન કરી દેવામા આવ્યો હતો.
ગ્રેનેડ ફાટ્યા બાદ બસ સ્ટેન્ડ પર અંધાધૂંધી ફેલાઇ હતી. લોકો ચીસો પાડવા લાગ્યા. દરમિયાન, તકનો લાભ લઈ હુમલો કરનારા આતંકવાદીઓ ત્યાંથી નાસી ગયા હતા. આ સાથે હુમલાખોર આતંકીઓને પકડવા માટે પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ દિવસમાં કાશ્મીર ખીણમાં આ ત્રીજો ગ્રેનેડ હુમલો છે. ગત શુક્રવારે સાંજે શ્રીનગરના બાયપાસ વિસ્તારમાં આવેલા ચાનપોરામાં એસએસબી કેમ્પ પાસે આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. જોકે આ હુમલામાં કોઈ નુકસાન થયું નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકીઓએ એસએસબીના 14 બટાલિયન કેમ્પ પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. ગ્રેનેડ હુમલા અંગેની માહિતી મળ્યા બાદ તરત જ સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ કોઈ હુમલો કરનાર મળ્યો નોહતો.

તેના એક દિવસ પહેલા એટલે કે ગત ગુરુવારે જિલ્લા અનંતનાગના સંગમ વિસ્તારમાં આતંકીઓએ સીઆરપીએફની 90 બટાલિયન પેટ્રોલિંગને નિશાન બનાવતા યુબીજીએલ ગ્રેનેડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં સીઆરપીએફનો એક જવાન ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેની હાલત સારી હોવાનું જણાવાઈ રહ્યું છે.

પોલીસનું કહેવું છે કે, કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ પર સુરક્ષા દળોની કડક પકડથી તેઓ પરેશાન થયા છે. તેથી જ તેઓએ સુરક્ષા દળોને નિશાન બનાવીને તેમના હુમલાઓ વધાર્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે, પાકિસ્તાનમાં તેમના અધિકારીઓએ તેમને સ્પષ્ટ સૂચના આપી હતી કે, આ હુમલા દરમિયાન તેમણે સામાન્ય નાગરિકો હાજર હોય તે ધ્યાનમાં રાખવું નહીં. આ જ કારણ છે કે આતંકવાદીઓ હવે હુમલામાં સામાન્ય લોકોને પણ નિશાન બનાવી રહ્યા છે.

national news jammu and kashmir srinagar terror attack