વીર સાવરકરના પૌત્રએ શિવસેનાના અધ્યક્ષને અપાવી વચનની યાદ

15 December, 2019 01:17 PM IST  |  Mumbai Desk

વીર સાવરકરના પૌત્રએ શિવસેનાના અધ્યક્ષને અપાવી વચનની યાદ

‘આઝાદીની લડતમાં કાળાં પાણીની સજા ભોગવનારા વિનાયક દામોદર સાવરકરના દિલ્હીની જાહેરસભામાં સ્વતંત્રતાવીર સાવરકરનું અપમાન કરનારા કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જાહેરમાં ફટકારવા જોઈએ. વીર સાવરકરને ભારત રત્નનો ઇલ્કાબ એનાયત કરવાનો આગ્રહ શિવસેનાએ ભૂલવો ન જોઈએ. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અનેક વખત કહી ચૂક્યા છે કે વીર સાવરકરનું અપમાન કરનારને તેઓ જાહેરમાં મારશે, એ વાત ઉદ્ધવ ઠાકરે ભૂલી ગયા નહીં હોય એવું હું માનું છું.’

રણજિત સાવરકરે જણાવ્યું હતું કે ‘રાહુલની અટક સાવરકર નથી એ સારું છે, અન્યથા અમારે મોઢું છુપાવવાનો વારો આવ્યો હોત. દાદી ઇન્દિરાએ નેહરુ અટક ત્યજી એને માટે રાહુલે એમનો આભાર માનવો જોઈએ. કારણકે જવાહરલાલ નેહરુ અંગ્રેજોને વફાદાર હતા. નેહરુએ ૧૯૪૬માં બ્રિટિશરાજની વાઇસ રૉયલ કાઉન્સિલમાં પ્રધાન બનવાની તૈયારી દાખવી હતી. એમણે ઇન્ગ્લૅન્ડના શાસક કિંગ જ્યોર્જ છઠ્ઠા પ્રત્યે નિષ્ઠા વ્યક્ત કરી હતી અને અંગ્રેજોને વફાદાર રહેવાના સોગંદ લીધા હતા.’
રાહુલ ગાંધીએ દિલ્હીની ‘ભારત બચાઓ રૅલી’માં કહ્યું હતું કે દેશમાં ‘મેક ઇન ઇન્ડિયા’ની જગ્યાએ ‘રેપ ઇન ઇન્ડિયા’ સૂત્ર જાહેર કરવું જોઈએ. એ બયાન બદલ માફી માગવાની બીજેપીની માગણી રાહુલે ઠુકરાવી હતી. રાહુલ ગાંધીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘બીજેપીએ સંસદમાં મારા એ ભાષણ બાબતે માફી માગવાનો આગ્રહ કર્યો હતો. સાચું બોલવા બદલ મને માફી માગવાનું કહેવામાં આવ્યું હતું. મારું નામ રાહુલ સાવરકર નથી, મારું નામ રાહુલ ગાંધી છે. હું સાચું બોલવા બદલ ક્યારેય માફી માગવાનો નથી.’ આંદામાનની સેલ્યુલર જેલમાંથી મુક્ત થવા માટે વીર સાવરકરે અંગ્રેજોની માફી માગી હોવાના આરોપના સંદર્ભમાં રાહુલ ગાંધીએ વીર સાવરકરનો ઉલ્લેખ કર્યો હતો.

સાવરકરને મુદ્દે કોઈ તડજોડ-સમાધાન નહીં: શિવસેના
મહા વિકાસ આઘાડીમાં સહયોગી પક્ષ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીના ‘મારું નામ રાહુલ સાવરકર નથી’ એવા ઉચ્ચારો બાબતે આઘાડીના મુખ્ય અને રાજ્યના શાસક પક્ષ શિવસેનાએ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે ગઈ કાલે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘વીર સાવરકર ફક્ત મહારાષ્ટ્રના જ નહીં, સમગ્ર રાષ્ટ્રના આરાધ્ય છે. એમનું નામ રાષ્ટ્રભિમાન અને સ્વાભિમાનના પ્રતીક રૂપ છે. તેઓ હિન્દુત્વના સિદ્ધાંતના મૂર્તિમંત રૂપ છે. આવા દરેક આરાધ્ય કે આદર્શ વ્યક્તિઓનું માન જળવાવું જોઈએ. એ બાબતે કોઈ સમાધાન કે તડજોડ શક્ય નથી.’

shiv sena national news