રાજ્યસભામાં પણ એફડીઆઇ પરના વોટિંગમાં સરકારની જીત

08 December, 2012 09:07 AM IST  | 

રાજ્યસભામાં પણ એફડીઆઇ પરના વોટિંગમાં સરકારની જીત



યુપીએ સરકારની બીજી ટર્મના સૌથી મોટા નિર્ણય એવા મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં એફડીઆઇ પર ગઈ કાલે સંસદની મહોર વાગી ગઈ હતી. લોકસભા બાદ રાજ્યસભામાં એફડીઆઇના વિરુદ્ધમાં વિપક્ષે રજૂ કરેલો પ્રસ્તાવ ૧૨૩ વિરુદ્ધ ૧૦૯ વોટથી પડી ભાંગ્યો હતો. રાજ્યસભામાં બીએસપીના તમામ ૧૫ સભ્યોએ એફડીઆઇના સર્પોટમાં વોટ આપ્યો હતો, જ્યારે સમાજવાદી પાર્ટીના નવ સભ્યોએ ગૃહમાંથી વૉકઆઉટ કરીને આડકતરી રીતે સરકારને સર્પોટ આપ્યો હતો. 

રાજ્યસભામાં બે દિવસ ચાલેલી જોરદાર ચર્ચા દરમ્યાન વિરોધ પક્ષના સભ્યોએ રીટેલમાં ૫૧ ટકા એફડીઆઇને મંજૂરી આપવાના નિર્ણયની સખત ટીકા કરી હતી, જ્યારે સરકારે આ નિર્ણયનો બચાવ કરતાં એને દેશહિતનો ગણાવ્યો હતો. ચર્ચાનો વાણિજ્યપ્રધાન આનંદ શર્માએ આપેલા જવાબ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતાં સમાજવાદી પાર્ટીના તમામ નવ સભ્યોએ રાજ્યસભામાંથી વૉકઆઉટ કર્યો હતો.

એઆઇએડીએમકેના સભ્ય વી. મૈત્રેયીએ એફડીઆઇ વિરુદ્ધનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ પડી ભાંગતાં વૉલ-માર્ટ જેવી ગ્લોબલ સુપર માર્કેટ કંપનીઓના ભારત-આગમનનો રસ્તો સરળ બન્યો છે. રાજ્યસભાના કુલ સભ્યોની સંખ્યા ૨૪૪ હતી. ૯૪ સભ્યો ધરાવતા યુપીએ પાસે બહુમત નહોતો તેથી સરકારને આ વોટિંગમાં જીતવા ગૃહમાં ૧૫ સભ્યો ધરાવતી બીએસપીનો સર્પોટ અનિવાર્ય હતો. બીએસપીનાં સુપ્રીમો માયાવતીએ ગુરુવારે જ સરકારના પડખે રહેવાની જાહેરાત કરી દીધી હતી.

બે દિવસ ચાલેલી ચર્ચામાં એઆઇએડીએમકેના નેતા મૈત્રેયીએ કહ્યું હતું કે ગૃહમાં ઉપસ્થિત ૩૪માંથી ૨૦થી વધુ પાર્ટી એફડીઆઇની વિરુદ્ધ છે. ચર્ચાનો જવાબ આપતાં આનંદ શર્માએ કહ્યું હતું કે ખેડૂત અને વ્ોપારી સંગઠનો તથા રાજકીય પાર્ટીઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સચિન તેન્ડુલકર ગેરહાજર રહ્યો

રાજ્યસભામાં ગઈ કાલે થયેલા વોટિંગમાં ક્રિકેટર સચિન તેન્ડુલકર સહિત કેટલાક સભ્યો ગેરહાજર રહ્યા હતા. સચિન કલકત્તામાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ મૅચ રમી રહ્યો હોવાથી ગૃહમાં હાજર રહી શક્યો ન હતો, જ્યારે અન્ય એક સભ્ય કૉન્ગ્રેસના મુરલી દેવરા નાદુરસ્ત તબિયતને કારણે ગેરહાજર રહ્યા હતા. બિજુ જનતા દળના બળવાખોર નેતા પ્યારી મોહન મહાપાત્ર પણ વોટિંગમાં હાજર રહ્યા નહોતા. જેડીયુના નેતા નારાયણ સિંહ પણ દીકરીનાં લગ્નને કારણે હાજર રહ્યા નહોતા.

રેખાએ કોને આપ્યો વોટ?

સચિન તેન્ડુલકર ભલે મૅચને કારણે રાજ્યસભામાં હાજર રહ્યો ન હોય પણ અભિનેત્રી રેખા જરૂર હાજર રહ્યાં હતાં. રાજ્યસભાનાં નૉમિનેટેડ સભ્ય રેખાએ એફડીઆઇ વિરુદ્ધના પ્રસ્તાવ પરના વોટિંગમાં સરકારની તરફેણમાં વોટ આપ્યો હતો. માત્ર તેઓ જ નહીં, અન્ય નૉમિનેટેડ સભ્યોએ પણ સરકારના પક્ષમાં વોટ આપ્યો હતો. વોટિંગ દરમ્યાન વિરોધ પક્ષની પાર્ટીઓમાં પણ તિરાડ પડી હતી. તેલુગુ દેસમ પાર્ટીના પાંચમાંથી ત્રણ સભ્યોએ વોટ આપ્યો નહોતો