અવિશ્વાસ પ્રસ્તાવનો પણ સામનો કરવા સરકાર તૈયાર : ચિદમ્બરમ

17 November, 2012 06:40 AM IST  | 

અવિશ્વાસ પ્રસ્તાવનો પણ સામનો કરવા સરકાર તૈયાર : ચિદમ્બરમ



સંસદના આગામી શિયાળુ સત્રમાં એફડીઆઇ સહિતને મુદ્દે વિપક્ષના આક્રમણનો સામનો કરવાની તૈયારી કરતાં કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમે કહ્યું હતું કે સરકાર અવિશ્વાસના પ્રસ્તાવ સહિત કોઈ પણ સ્થિતિનો સામનો કરવા તૈયાર છે. ચિદમ્બરમે લોકસભાની મધ્યવર્તી ચૂંટણીની શક્યતા નકારતાં દાવો કર્યો હતો કે સરકાર ૨૦૧૪ સુધીની ટર્મ પૂરી કરશે.

સંસદનું શિયાળુ સત્ર આગામી ૨૨ નવેમ્બરથી શરૂ થશે. ગઈ કાલે ચિદમ્બરમ ઉપરાંત ટેલિકૉમપ્રધાન કપિલ સિબલ તથા માહિતી અને પ્રસારણપ્રધાન મનીષ તિવારીએ મિડિયા સમક્ષ ઉપસ્થિત થઈને વિવિધ મુદ્દે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે લોકસભા અને રાજ્યસભામાં કોઈ પણ મુદ્દે ચર્ચા કરવા સરકાર તૈયાર છે. આગામી સત્રના એજન્ડામાં અનેક મહત્વનાં બિલો હોવાથી ત્રણે પ્રધાનોએ રાજકીય પાર્ટીની મદદ માગી હતી. ચિદમ્બરમે કહ્યું હતું કે આ માટે વડા પ્રધાન મનમોહન સિંહ યુપીએના પક્ષો તથા અન્ય રાજકીય પાર્ટીના નેતાઓને મળી રહ્યા છે. આગામી સત્રમાં ઇન્શ્યૉરન્સ સેક્ટરમાં એફડીઆઇની લિમિટ ૨૬ ટકાથી વધારીને ૪૯ ટકા કરવા માટેનું બિલ, બૅન્કિંગ રેગ્યુલેશન અમેન્ડમેન્ટ બિલ તથા ડાયરેક્ટ ટૅક્સ કોડ સહિતનાં મહત્વનાં બિલો પસાર કરાવવાની સરકારની યોજના છે.

એફડીઆઇ = ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ