સરકાર ગરીબોને મફતમાં આપશે મોબાઈલ ફોન, ટૉક ટાઈમ પણ ફ્રી

08 August, 2012 09:38 AM IST  | 

સરકાર ગરીબોને મફતમાં આપશે મોબાઈલ ફોન, ટૉક ટાઈમ પણ ફ્રી


નવી દિલ્હી : તા. 08 ઓગષ્ટ

કેન્દ્ર સરકારની આ યોજનનાને આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે જોવામાં આવી રહી છે.

વર્તમાન યૂપીએ સરકારે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાની તૈયારીઓ હાથ ધરી દીધી છે. સરકાર હવે દેશના દરેક ગરીબ વ્યક્તિને વિનામૂલ્યે મોબાઈલ ફોન પુરા પાડશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મનમોહન સિંહ આગામી 15મી ઓગષ્ટના રોજ દિલ્હીના લાલ કિલ્લાથી દેશના ગરીબી રેખા હેઠળ જીવન નિર્વાહ કરતા ગરીબોને મફત મોબાઈલ ફોન આપવાની જાહેરાત કરી શકે છે. મોબાઈલ ફોનની સાથો સાથ 200મીનીટ મફત વાતચીત કરવાની (ફ્રી ટોક ટાઈમ) પણ સૂવિધા આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

પોતાના બીજા કાર્યકાળમાં મહદઅંશે નિષ્ફળ રહેલી સરકાર દેશના ગરીબોને રોટી-અનાજને બદલે મોબાઈલ ફોન પુરા પાડશે. સરકાર 7000 કરોડના ખર્ચે 60 લાખ ગરીબોને આ યોજના હેઠળ આવરી લેશે. આ તમામ નાણાં ટેલિકોમ મંત્રાલયથી ફાળવવામાં આવશે. આ યોજનાને અંતર્ગત સરકાર દેશની ગરીબ પ્રજા સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવા માંગે છે.

એક બાજુ લાખો ટન અનાજ ગોદામોમાં જ સડી રહ્યું છે અને બીજી તરફ દેશભરમાં ભુખમરાને કારણે રોજે રોજ લોકોના મૃત્યું નિપજી રહ્યાં છે ત્યારે સરકારની ગરીબોને મફત મોબાઈલ આપવાની સરકારની આ યોજનાને વર્ષ 2014માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટેના ટ્રમ્પકાર્ડ તરીકે જોવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર આગામી લોકસભાની ચૂંટણીમાં આ યોજનાને આગળ ધરીને મત એકત્ર કરવાનો પ્રયત્ન કરશે.  
આશ્વર્યજનક વાત એ છે કે ખુદ સરકારના અહેવાલ પ્રમાણે દેશની 70 ટકા વસ્તી આજે પણ 20 રૂપિયામાં પોતાનો દિવસભરનો ગુજારો કરી રહી છે. તેવામાં સરકારની આ તુઘલખી નિર્ણય પર દેશભરમાં ચારેકોરથી આંગળી ચિંધાઈ રહી છે.