કોરોનાના વધેલા કેસ વચ્ચે હૉસ્પિટલોમાં મૉક-ડ્રિલ

11 April, 2023 12:06 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૨૪ કલાકમાં પાંચ હજાર કરતાં વધુ નવા કેસ, ઍક્ટિવ કેસનો આંક ૩૫,૦૦૦થી વધુ

દિલ્હીની આરએમએલ હૉસ્પિટલના હેલ્થવર્કર્સ સાથે વાત કરતા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા. તસવીર પી.ટી.આઇ.

દેશમાં ફરી એક વાર કોવિડ-19નો વાઇરસ માથું ઊંચકી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૮૮૦ નવા કેસ નોંધાયા છે તો ઍક્ટિવ કેસનો આંકડો ૩૫ હજાર કરતાં ઊંચો છે. કોવિડના વધી રહેલા કેસ જોઈને સરકાર પણ ઍક્શન મોડમાં કામ કરી રહી છે. આના અનુસંધાનમાં દેશની પ્રત્યેક હૉસ્પિટલોમાં મૉક-ડ્રિલ કરવામાં આવી રહી છે અને એમાં કોવિડની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે. તમામ હૉસ્પિટલનો સ્ટાફ સંપૂર્ણ રીતે તૈયાર જણાઈ રહ્યો છે. ઑક્સિજન સપ્લાય કે બેડની ફાળવણીમાં કોઈ સમસ્યા જણાતી નથી. 

દિલ્હીની લોકનાયક હૉસ્પિટલ, જીટીબી હૉસ્પિટલ એઇમ્સ, સફદરજંગ, આરએમએલ અને લેડી હોર્ડિંગ, એઇમ્સ ઝજ્જર સહિત તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં મૉક-ડ્રિલ કરવામાં આવી હતી. 

લોકનાયક હોસ્પિટલમાં થયેલી મૉક-ડ્રિલમાં મેડિકલ સ્ટાફ અને કોવિડ વૉર્ડના ડૉક્ટરોએ ભાગ લીધો હતો, જેમાં કોવિડના પેશન્ટની સારવારની તમામ તૈયારીઓ પૂરી મળી હતી. આજે પણ મૉક-ડ્રિલ કરવામાં આવશે. 

આ પણ વાંચો : ત્રણ રાજ્યોમાં ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ લાગુ

આરએમએલ હૉસ્પિટલની મૉક-ડ્રિલનું નિરીક્ષણ કેન્દ્રીય આરોગ્યપ્રધાને કર્યું હતું. 

આરએમએલ હૉસ્પિટલમાં થયેલી મૉક-ડ્રિલનું નિરીક્ષણ કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કર્યું હતું. હૉસ્પિટલમાં બેડની સંખ્યા હાલના ૧૫થી ૨૫ બેડ આવશ્યકતા મુજબ ૪૦૦ જેટલા વધારી શકાશે. પટનાના ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસમાં પણ મૉક-ડ્રિલ દરમ્યાન અન્ય પ્રક્રિયા સાથે કોવિડ પ્રોટોકૉલનું પાલન કરવાની તકેદારી પણ જાળવવામાં આવી હતી. 

માણસમાં જ ઉદ્ભવ્યો હતો કોરોના વાઇરસ

નવી દિલ્હી : બીજિંગની યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ટૉન્ગ યિગૅન્ગે કહ્યું કે વુહાનની સી-​ફૂડ માર્કેટ અને કોરોના વાઇરસનો શિકાર બનેલી વ્યક્તિઓના વાઇરલનાં સૅમ્પલના જિનેટિક સીક્વન્સનો અભ્યાસ કરતાં ખબર પડી હતી કે બન્ને વચ્ચે ઘણું સામ્ય છે એટલે એવું કહી શકાય કે કોરોના વાઇરસનો જન્મ માણસમાંથી જ થયો હશે. અગાઉ ચામચીડિયામાંથી આ વાઇરસ માણસમાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકે રૅકૂન ડૉગ વાઇરસના મૂળમાં હતા એ વાતને પણ રદિયો આપ્યો હતો. ભલે વુહાનમાં કોવિડ વાઇરસ મળ્યો હોય, પણ જરૂરી નથી કે એની ઉત્પત્તિ અહીં જ થઈ હોય. 

national news coronavirus covid19 new delhi