કોરોના સારવાર માટે દવાનો સ્ટૉક કરવા સરકારે આપ્યો 1 કરોડ ટેબ્લેટનો ઓર્ડર

01 April, 2020 12:22 PM IST  |  New Delhi | Agencies

કોરોના સારવાર માટે દવાનો સ્ટૉક કરવા સરકારે આપ્યો 1 કરોડ ટેબ્લેટનો ઓર્ડર

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસની મહામારી સામે લડવા માટે સરકારી આરોગ્ય તંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ કરી છે. આવા લૉકડાઉનના માહોલમાં દવાની કોઈ પ્રકારની અછત ન સર્જાય એ માટે સરકારે મોટી માત્રામાં દવાનો ઓર્ડર આપ્યો છે. ખાસ કરીને ફેફસાંમાં ઊભી થતી ગાંઠને દૂર કરવા માટે ડૉક્ટર એક ખાસ પ્રકારની દવા આપે છે. હાલમાં કોરોના પૉઝિટિવ દરદીના સગા અને સારવાર કરતાં કોઈ સ્ટાફને કોઈ પ્રકારનો ચેપ ન લાગે એ માટે એમને મલેરિયામાં અસર કરતી દવા આપવામાં આવી રહી છે. આ દવાની માર્કેટમાં ક્યાંય અછત ન સર્જાય એ માટે કેન્દ્ર તેમ જ રાજ્ય સરકારે મોટી માત્રામાં દવાની ખરીદી શરૂ કરી દીધી છે.

સરકાર આ દવા બનાવતી જુદી-જુદી કંપનીઓના ડિસ્ટ્રિબ્યુટર્સ પાસેથી દરરોજનો સ્ટૉક લઈ રહી છે. કોવિદ-૧૯ની બીમારીમાં ફેફસાંમાં સોજો આવી જાય છે. જેથી દરદીને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. આ ઉપરાંત ફેફસાંમાં ફાઇબ્રોસિસ (ગાંઠ) થાય ત્યારે તબીબ ખાસ પ્રકારની દવા લખી આપે છે. ફેડરેશન ઑફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ અૅન્ડ ડ્રગિસ્ટ અસો.ના જશુભાઈ પટેલે જણાવ્યું હતું કે આ દવાનો ઉપયોગ હાથ-પગના આંગળાના હાડકાં વળી જાય જેને રૂમેટાઈઝ આર્થરાઈટિઝ કહે છે, એમાં પણ ઉપયોગ થાય છે. સરકારે દવા બનાવતી કંપનીનો સારો એવો સ્ટૉક પોતાના હસ્તક કરી લીધો છે. લૉકડાઉનની સ્થિતિ વચ્ચે લોકોએ ડાયાબિટિસ, બ્લડપ્રેશરની દવા માટે મેડિકલ સ્ટોર પર લાઈન લગાવી હતી. કેટલાક લોકોએ બે મહિનાની દવાનો સ્ટૉક એક સાથે લઈ લીધો છે. જેથી થોડા સમય માટે અછત વર્તાઈ હતી, પણ હવે ક્યાંય તંગી નથી. બધી જ દવાઓનો સ્ટૉક પૂરતા પ્રમાણમાં છે. વલસાડ, વાપી, સુરત અને સૌરાષ્ટ્રમાં જામનગર, કચ્છ, રાજકોટ તથા ભાવનગર સુધી દવાનો સ્ટૉક પહોંચી ગયો છે, એવું ચૅરમૅને જણાવ્યું છે.

national news coronavirus covid19 new delhi