યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયા ૩૫૦૦ ભારતીયો

27 March, 2015 03:57 AM IST  | 

યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયા ૩૫૦૦ ભારતીયો




ખાડીદેશોમાં આવેલા યમનમાં ઈરાનના સમર્થનવાળા શિયા હુતી બળવાખોરોને હટાવવા અને સંકટમાં મુકાયેલા પ્રેસિડન્ટ આબિદ રબ્બુ મન્સૂર હાદીને બચાવવા માટે ગઈ કાલે સાઉદી અરેબિયાએ બળવાખોરોના કબજા હેઠળના વિસ્તારોમાં મિસાઇલહુમલા શરૂ કર્યા હતા.

ઍર-સ્ટ્રાઇકને પગલે દેશભરનાં ઍરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યાં છે. આના પગલે આ દેશમાં નોકરી માટે ગયેલા આશરે ૩૫૦૦ ભારતીયો ફસાઈ ગયા છે અને તેમને સ્વદેશ લાવવા માટે વિદેશમંત્રાલયે વિકલ્પો શોધવાની શરૂઆત કરી છે. મોટા ભાગે કેરળની નર્સો યમનમાં કામ કરે છે.

યમનની રાજધાની સનામાં ઍરપોર્ટ પાસે આ ઍર-સ્ટ્રાઇકને કારણે જબ્બર નુકસાનના અહેવાલ છે. હુતી બળવાખોરોનાં વિમાનો અને ફાઇટર પ્લેન નષ્ટ થયાંના પણ અહેવાલ છે.

સાઉદી અરેબિયા એના સહયોગી દેશો સાથે મળીને આશરે ૧૦૦ ફાઇટર પ્લેન અને દોઢ લાખ સૈનિકોને યમનમાં ઉતારવાનું વિચારે છે. એમનો ઉદ્દેશ શિયા હુતી બળવાખોરોને હટાવીને તેમને દેશ પર કબજો કરતાં રોકવાનો છે.

અમેરિકામાં આવેલા સાઉદી અરેબિયાના રાજદૂત આદિલ અલ ઝુબેરે કહ્યું હતું કે ‘સાઉદી અરેબિયા સાથે કતાર, કુવૈત, બાહરિન અને યુનાઇટેડ આરબ અમીરાત છે અને આ બળવાખોરોને હટાવવાની કામગીરીમાં ઇજિપ્ત, પાકિસ્તાન, જૉર્ડન, મૉરોક્કો અને સુદાને પણ ભાગ લેવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અમારો ઇરાદો યમનની સત્તાવાર હાદી સરકારને બચાવવાનો અને હુતી વિદ્રોહીઓને ભગાવવાનો છે.’

આ લશ્કરી કાર્યવાહીને અમેરિકાએ સમર્થન આપ્યું છે અને પ્રેસિડન્ટ બરાક ઓબામાએ શસ્ત્રસામગ્રી અને ઇન્ટેલિજન્સ સહાય પૂરી પાડવાનું વચન આપ્યું છે.