નાના બચતકારોના લોકપ્રિય કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરવાની તક ફરી આવી ગઈ

19 November, 2014 05:44 AM IST  | 

નાના બચતકારોના લોકપ્રિય કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરવાની તક ફરી આવી ગઈ



દેશમાં બચતનો દર વધારવાના તથા સામાન્ય નાગરિકને સોનામાં અને પૉન્ઝી સ્કીમમાં રોકાણ કરતો અટકાવવાના હેતુસર સરકારે કિસાન વિકાસ પત્ર (KVP)નું ગઈ કાલે ફરી લૉન્ચિંગ કર્યું હતું.

નાણાપ્રધાન અરુણ જેટલીએ ગઈ કાલે સુધારિત KVP બહાર પાડતી વખતે કહ્યું હતું કે દેશમાં બચતનો દર ૩૬.૮ ટકાના વિક્રમી સ્તરથી ઘટીને ગત ૨-૩ વર્ષમાં ૩૦ ટકાની નીચે આવી ગયો છે, એથી તેમને વધારે પ્રમાણમાં બચત કરવા માટે સુવિધા આપવાની જરૂર છે. KVPને લીધે લોકો પૉન્ઝી સ્કીમમાં રોકાણ કરતાં અટકશે તથા વધારે બચત કરી શકશે. વળી એના દ્વારા એકઠા થયેલા રોકાણનો ઉપયોગ રાષ્ટ્રઘડતર માટે કરી શકાશે.’

KVPની વિશેષતાઓ જણાવતાં તેમણે કહ્યું હતું કે ‘આ સાધનને સરળ રાખવામાં આવ્યું છે, એમાં એના ધારકનું નામ નહીં હોય અને એનું મૂલ્ય ૧૦૦૦, ૫૦૦૦, ૧૦,૦૦૦ અને ૫૦,૦૦૦ રાખવામાં આવ્યું છે. એમાં રોકાયેલાં નાણાં ૧૦૦ મહિનામાં (અર્થાત આઠ વર્ષ અને ચાર મહિનામાં) બમણાં થશે. ધ્સ્ભ્માં ગમે એટલી રકમનું રોકાણ કરી શકાશે અને એનો લૉક ઇન પિરિયડ અઢી વર્ષનો રહેશે, અર્થાત એમાં અઢી વર્ષ પછી રકમનો ઉપાડ કરી શકાશે.’

સર્ટિફિકેટ પોસ્ટ-ઑફિસ મારફત વેચવામાં આવશે, પરંતુ થોડા વખતમાં રાષ્ટ્રીયકૃત બૅન્કોની નિશ્ચિતશાખાઓમાં એનું વેચાણ કરવામાં આવશે.

KVPની યોજના અગાઉ ૨૦૧૧માં બંધ કરવામાં આવી હતી, એના પુન: આરંભ વિશેજેટલીએ બજેટના તેમના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો.

KVPનો અગાઉનો દેખાવ કેવો રહ્યો હતો?

સરકારે પહેલી વાર ૧૯૮૮ની ૧ એપ્રિલે KVPનું લૉન્ચિંગ કર્યું હતું. એમાં પોસ્ટ-ઑફિસમાંથી વિવિધ મૂલ્યનાં સર્ટિફિકેટ ખરીદી શકાતાં હતાં. એમાં સાડાપાંચ વર્ષની મુદત રાખવામાં આવી હતી અને રોકાયેલાં નાણાં એટલા જ સમયગાળામાં બમણાં થતાં હતાં. નાના રોકાણકારોમાં એ ઘણી પ્રચલિત થઈ હતી. દેશભરમાં નૅશનલ સેવિંગ્સ સ્કીમ હેઠળ એકઠી થતી કુલ રકમમાં એનું પ્રમાણ ૯થી ૨૯ ટકા સુધી રહ્યું હતું. ૨૦૧૦-’૧૧માં એમાં ૨૧,૬૩૧.૧૬ કરોડ રૂપિયા એકઠા થયા હતા, જે પ્રમાણ કુલ રકમમાં ૯ ટકા જેટલું હતું. યોજના બંધ કરવામાં આવી એ વર્ષે એટલે કે ૨૦૧૧ના એપ્રિલથી નવેમ્બરના ગાળામાં એમાં ૭,૫૭૫.૯૫ કરોડ રૂપિયાનું કલેક્શન થયું હતું.