મ્યુકોરમાઇકોસિસ યાદ છે? દવાઓના વધારે ઉપયોગ સામે સરકારની ચેતવણી

14 January, 2022 10:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેન્દ્ર સરકારે કોરોનાની દવાઓના વધારે પડતા ઉપયોગ અને દુરુપયોગ સામે ચેતવણી આપી હતી. નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી. કે. પૉલે કહ્યું હતું કે ‘જે કોઈ પણ દવાઓ આપવામાં આવે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હી (પી.ટી.આઇ.) ઃ કેન્દ્ર સરકારે કોરોનાની દવાઓના વધારે પડતા ઉપયોગ અને દુરુપયોગ સામે ચેતવણી આપી હતી. નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી. કે. પૉલે કહ્યું હતું કે ‘જે કોઈ પણ દવાઓ આપવામાં આવે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ રીતે વધારે પડતો ઉપયોગ ના કરવો જોઈએ. ગઈ વખતે આપણે ખૂબ જ ડરામણી સ્થિતિ જોઈ હતી કે જ્યારે મ્યુકોરમાઇકોસિસ માટે ઘણાખરા અંશે દવાઓ જવાબદાર હતી.’
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘સ્ટેરૉઇડ્ઝના ઉપયોગથી મ્યુકોરમાઇકોસિસ થવાના ચાન્સિસ વધી જાય છે. સ્ટેરૉઇડ્ઝ ખૂબ જ શક્તિશાળી જીવનરક્ષક દવાઓ છે, પરંતુ એની પોતાની સાઇડ ઇફેક્ટ્સ પણ છે અને એની રોગપ્રતિકારક શક્તિ પર વિપરીત અસર થાય છે. એટલા માટે જ એ આપણા માટે મોટો પાઠ હતો. એ વખતે (બીજી લહેર દરમ્યાન) આપણે હજી શીખી રહ્યા હતા, પરંતુ આપણે હવે એ જાણીએ છીએ એટલા માટે સામાન્ય લોકોએ ખ્યાલ રાખવો જોઈએ કે નૅશનલ પ્રોટોકોલ્સ-આયુષ અને મેઇનસ્ટ્રીમ પ્રોટોકોલ હેઠળ વિવેકપૂર્ણ સારવારની યાદી છે. આપણે એને જ વળગી રહેવું જોઈએ.’
ડૉ. પૉલે વધુમાં કહ્યું હતું કે ‘આ પ્રોટોકોલ્સને બેસ્ટ એક્સપર્ટ્સ દ્વારા ડેવલપ કરવામાં આવ્યા છે. તાવ માટે પૅરાસિટામોલ આપવામાં આવે છે અને કફ માટે આયુષ સીરપનો ઉપયોગ કરી શકાય છે. ઘરે રહીને સારવાર લઈ રહેલા દરદીઓ માટે પણ અમે એ જ પ્રિસ્ક્રાઇબ કર્યું છે. જો ત્રણ દિવસ કરતાં પણ વધારે સમય સુધી કફ રહે તો બુડેસોનાઇડ નામનું ઇનહેલર છે. આ ત્રણ જ બાબત કરવી જોઈએ. એ સિવાય કોગળા કરો, આરામ કરો અને વધારે પડતું કામ ન કરો.’ 
નોંધપાત્ર છે કે આ પહેલાં દેશમાં મ્યુકોરમાઇકોસિસના કેસ મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા.

national news coronavirus