વૉટ્સઍના નવા યુઝરનેમ ફીચર પર સરકારી બ્રેક, ૩ દિવસમાં સ્પષ્ટતા આપવાનો આદેશ

02 July, 2026 06:32 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ફોન-નંબર વગર ચૅટિંગ કરવાના ફીચરથી આ‍ૅનલાઇન ફ્રૉડ અને ફેક પ્રોફાઇલનું જોખમ વધવાની આશંકાને પગલે લેવાયો આ નિર્ણય

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે વૉટ્સએપને એના પ્રસ્તાવિત ‘યુઝરનેમ’ ફીચરને હાલપૂરતું લૉન્ચ ન કરવા માટે કડક નિર્દેશ આપ્યો છે. સરકારે આ વિવાદિત મામલે વૉટ્સઅૅપની કંપની મેટાને આગામી ૩ દિવસની અંદર વિગતવાર ખુલાસો અને સ્પષ્ટીકરણ સબમિટ કરવાનો આદેશ આપ્યો છે. સરકારને ગંભીર આશંકા છે કે ફોન-નંબર શૅર કર્યા વિના માત્ર યુઝરનેમ દ્વારા જ વાતચીત કરવાની આ સુવિધાથી ઑનલાઇન ફ્રૉડ, સ્પૂફિંગ અને ઓળખ બદલીને છેતરપિંડી કરવાના ગુનાઓમાં મોટો ઉછાળો આવી શકે છે.

વૉટ્સઅૅપે આ ફીચર માટે પ્રારંભિક સ્ટેજ પર યુઝરનેમ રિઝર્વેશન પ્રક્રિયા શરૂ કરી દીધી હતી અને ચાલુ વર્ષના અંત સુધીમાં એનું વૈશ્વિક રોલ-આઉટ કરવાનું આયોજન હતું. કંપનીનો દાવો હતો કે આનાથી ખાસ કરીને ગ્રુપ-ચૅટમાં યુઝર્સની પ્રાઇવસી વધુ મજબૂત બનશે. જોકે સાઇબર સિક્યૉરિટી નિષ્ણાતો અને કાયદાકીય વ્યાવસાયિકોએ સરકાર સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી કે ફોન-નંબર આધારિત ઓળખ હટવાથી અકાઉન્ટેબિલિટીનું મહત્ત્વનું સ્તર નબળું પડી જશે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ઑનલાઇન ગઠિયાઓ જાણીતી હસ્તીઓ, પ્રતિષ્ઠિત બિઝનેસ અથવા સરકારી અધિકારીઓનાં નામ જેવાં ફેક યુઝરનેમ બનાવીને સામાન્ય લોકોને સરળતાથી ગુમરાહ કરી નાણાકીય ફ્રૉડનો શિકાર બનાવી શકે છે. આ મામલે યોગ્ય સુરક્ષા માપદંડો નક્કી ન થાય અને પૂરતી ચર્ચા-વિચારણા પૂર્ણ ન થાય ત્યાં સુધી સરકારે આ ફીચરના લૉન્ચિંગ પર સંપૂર્ણ રોક લગાવી દીધી છે.

national news india whatsapp social media social networking site indian government