ડીઝલ અને પેટ્રોલના ભાવમાં થશે વધારો

21 August, 2012 02:47 AM IST  | 

ડીઝલ અને પેટ્રોલના ભાવમાં થશે વધારો

ગયા સપ્તાહમાં ક્રૂડ ઑઇલમાં છેલ્લા ત્રણ મહિનામાં થયેલા સૌથી મોટા ભાવવધારાને જોતાં પેટ્રોલિયમ મિનિસ્ટ્રીએ આવતા મહિને ડીઝલ તથા પેટ્રોલના ભાવ વધારવાનું નક્કી કર્યું છે. દેશમાં નબળા ચોમાસા તેમ જ વીજળીની અછતને કારણે ડીઝલની ખપતમાં વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ સરકારી ઑઇલ કંપનીઓ પણ ભાવવધારા માટે સરકાર પર દબાણ કરી રહી છે. ગયા ક્વૉર્ટરમાં ઇન્ડિયન ઑઇલ કંપનીને સૌથી વધુ ૪૦,૦૦૦ કરોડ રૂપિયાની ખોટ ગઈ હતી.

ડીઝલના ભાવમાં લિટરદીઠ ચારથી પાંચ રૂપિયા તેમ જ પેટ્રોલમાં લિટરદીઠ ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવશે. આ વધારાની જાહેરાત સંસદના મૉન્સૂન સત્રની સમાપ્તિ બાદ એટલે ૭ સપ્ટેમ્બર પછી કરવામાં આવે એવી શક્યતા છે. કેરોસીનને બાદ કરતાં સરકાર રાંધણગૅસ તરીકે વપરાતા એલપીજી સિલિન્ડરમાં પણ ૫૦થી ૧૦૦ રૂપિયાનો વધારો કરશે એટલું જ નહીં, કુટુંબદીઠ સબ્સિડાઇઝ સિલિન્ડરની સંખ્યા પણ નક્કી કરવામાં આવશે. છેલ્લા ૧૪ મહિનાથી ડીઝલ, એલપીજી તથા કેરોસીનના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

એલપીજી = લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ