દેશના દરેક પેટ્રોલ પંપમાં ઈ-કારનું ચાર્જિંગ સ્ટેશન ફરજિયાત?

06 September, 2020 03:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દેશના દરેક પેટ્રોલ પંપમાં ઈ-કારનું ચાર્જિંગ સ્ટેશન ફરજિયાત?

પ્રતિકાત્મક તસ્વીર

દેશમાં ઈલેક્ટ્રિક વાહનો (ઈ-વાહન)ને પ્રોત્સાહન આપવા માટે સરકાર જરૂરી દરેક પગલા લઈ રહી છે. ભારતમાં ઈ-કારનું વેચાણ તબક્કાવાર વધી રહ્યું છે પરંતુ સમસ્યા એ છે કે લાંબા અંતર માટે પ્રવાસ કરવો હોય તો એક બેટરી એક્સ્ટ્રા રાખીએ પરંતુ તે બેટરી પણ ખતમ થવા આવે ત્યારે સંબંધિત સ્થળમાં ચાર્જિંગ સ્ટેશન હોવું પણ જરૂરી છે.

પહેલા CNG કાર માટે પણ આવી જ સમસ્યા હતી. દરેક સ્થળોએ સહેલાઈથી સીએનજી પંપ મળતા નહોતા. જોકે પેટ્રોલ પંપમાં જ સીએનજી સ્ટેશન વિકસિત થતા સીએનજી કાર માલિકોને રાહત મળી હતી. આવી જ યોજના ઈ-કાર માટે પણ બનાવવાની છે. ઈ-કાર ચાલકને દરેક સ્થળે ચાર્જિંગ સ્ટેશનની સુવિધા મળી રહે તે માટે સરકાર 69,000 પેટ્રોલ પંપમાં ઈ-ચાર્જિંગ સ્ટેશન ફરજિયાત કરવાની વિચારણા કરી રહ્યું છે.

ઈલેક્ટ્રીક વાહન ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રકચરની સમીક્ષા માટે થયેલી એક મીટિંગમાં ઉર્જા પ્રધાન આર કે સિંહે ઓઈલ મંત્રાલયના ટોચના અધિકારીઓને સૂચન કર્યું કે, તેઓ પેટ્રોલ પંપમાં ચાર્જિંગ કિયોસ્ક સ્થાપવાનો આદેશ આપી શકે છે. તેમ જ અન્ય ફ્રેન્ચાઈઝી પેટ્રોલ પંપ સંચાલકોને પણ સલાહ આપી શકાય છે કે તેઓ તેમના પેટ્રોલ પંપમાં કમસેકમ એક ચાર્જિંગ સ્ટેશન ઉભું કરે.

સરકારનું માનવું છે કે દેશના લગભગ 69,000 પેટ્રોલ પંપમાં ઈ-કાર ચાર્જિંગ સ્ટેશનની સુવિધા હોય તો ઈ-કારની ખરીદીને પ્રોત્સાહન મળશે. આ મીટિંગમાં દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ, બેંગલુરૂ, વડોદરા અને ભોપાલના નેશનલ હાઈવેમાં ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપર ખાસ ધ્યાન આપવા ઉપર જોર અપાયુ છે, જેથી લોકો લાંબા પ્રવાસ માટે ઈ-કારનો ઉપયોગ કરી શકે. 

national news