હું કેરોસીનના દીવાના પ્રકાશમાં ભણ્યો છું, ગામમાં લાઇટ, ડૉક્ટર, સ્કૂલ કે કૉલેજ નહોતી : PM

19 August, 2012 02:55 AM IST  | 

હું કેરોસીનના દીવાના પ્રકાશમાં ભણ્યો છું, ગામમાં લાઇટ, ડૉક્ટર, સ્કૂલ કે કૉલેજ નહોતી : PM

મુંબઈ આવેલા વડા પ્રધાન મનમોહન સિંહે ગઈ કાલે પવઈમાં આઇઆઇટી-બૉમ્બેના ગોલ્ડન જ્યુબિલી પદવીદાન સમારંભમાં એના સ્ટુડન્ટ્સને સંબોધતાં કહ્યું હતું કે ‘આજે હવે ઇન્ડિયાને નૅશનલ લીડર્સ સાયન્સ અને ટેક્નૉલૉજીના ફીલ્ડમાંથી મળવા જોઈએ; નહીં  કે માત્ર પૉલિટિક્સ, સ્પોર્ટ્સ અને સિનેમામાંથી જ લીડર્સ મળે. આપણી સરકારે ભણવા અને સાયન્સમાં રિસર્ચ કરવા માટે નવી આઇઆઇટી, નવી આઇઆઇએમ અને અન્ય ઇન્સ્ટિટ્યૂટો બનાવી છે. અમે સ્કૂલોમાં ઇન્વેસ્ટમેન્ટ વધારી દીધું છે. સમાજના નબળા વર્ગના સ્ટુડન્ટ્સ માટે સ્કૉલરશિપની રકમ પણ વધારી દેવામાં આવી છે. દેશના અલગ-અલગ ભાગોમાં ઇન્સ્ટિટ્યૂટ્સ ખોલવામાં આવી છે જેથી સ્ટુડન્ટ્સને તેમના ઘરની નજીક સારું શિક્ષણ મળી શકે. જોકે હવે હાયર એજ્યુકેશનમાં જે કાંઈ ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે એનો ફાયદો દેશ મજબૂત કરવામાં થાય એ જરૂરી છે. હવે આઇઆઇટીમાં આપણી (દેશની) જરૂરિયાત પ્રમાણેનો અભ્યાસક્રમ ભણાવવામાં આવે એ જરૂરી છે. જોકે હું જાણું છું કે અભ્યાસક્રમમાં ચેન્જિસ કરવા શિક્ષકોે અને આઇઆઇટીના ભૂતપૂર્વ સ્ટુડન્ટ્સ સાથે વધુ ઊંડું ડિસ્કશન કરીને જ એ તૈયાર કરી શકાશે. આઇઆઇટીના આપણા ઘણા સારા સ્ટુડન્ટ્સ સારી તકની શોધમાં વર્ષોથી વિદેશ જઈને વસ્યા છે એ બદલ મને કોઈ દુ:ખ નથી. ઘણા સ્ટુડન્ટ્સ પાછા પણ ફર્યા છે અને દેશની સેવા કરી રહ્યા છે. કેટલાક ત્યાં દુનિયાની બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ્સમાં રહીને પણ દેશની સેવા કરી રહ્યા છે. એવું જોવા મળ્યું છે કે આઇઆઇટીના ઘણા સ્ટુડન્ટ્સ તેમના મૅનેજમેન્ટ, ફાઇનૅન્સ, માર્કે‍ટિંગ અને સિવિલ સર્વિસનાં મુખ્ય ફીલ્ડ છોડી અન્ય ફીલ્ડમાં કામ કરી રહ્યા છે; જોકે તેઓ તેમના ફીલ્ડમાં સારું કામ કરી રહ્યા છે. મારા કૅબિનેટ કલીગ જયરામ રમેશ પણ આઇઆઇટીના સ્ટુડન્ટ છે.’

વડા પ્રધાન મનમોહન સિંહે તેમને ભણવામાં પડેલી મુશ્કેલીઓને યાદ કરતાં કહ્યું હતું કે ‘જ્યારે હું મારા ભૂતકાળમાં જોઉં છું ત્યારે અમે કેવી કંગાળ પરિસ્થિતિમાં રહ્યા હતા એ યાદ આવે છે અને એવી પરિસ્થિતિમાંથી પણ અમારી પેઢી આગળ આવી છે. હું કેરોસીનના દીવાના અજવાળામાં ભણ્યો છું. અમારા ધૂળિયા ગામમાં લાઇટ નહોતી, ડૉક્ટર નહોતો, સ્કૂલ કે કૉલેજ પણ નહોતી. મારે સ્કૂલ જવા માટે પણ માઇલો સુધી પગપાળા જવું પડતું હતું. જોકે આઝાદી પછીનાં આ પાંસઠ વર્ષમાં દેશે ઘણી જ પ્રગતિ કરી છે; જોકે આ પ્રગતિ લોકોને, મુખ્યત્વે યુવાનોને ઓછી લાગે છે.’

સરકાર ન્યાયપ્રણાલી ઝડપી બનાવવા કાર્યરત : પીએમ

બૉમ્બે હાઈ કોર્ટની દોઢસો વર્ષની ઉજવણીની પૂર્ણાહુતિ સમારંભના મુખ્ય અતિથિ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે ગઈ કાલે નરીમાન પૉઇન્ટ પર એનસીપીએ ઑડિટોરિયમમાં કહ્યું હતું કે લોકોને ઝડપથી ન્યાય મળી શકે તથા ક્રિમિનલ જુડિશ્યલ સિસ્ટમ અને કોર્ટની કાર્યવાહીમાં સુધારો કરી શકાય એ માટે લૉ-કમિશન કાર્યરત છે. ઑલ ઇન્ડિયા જુડિશ્યલ સર્વિસની સ્થાપના કરવા માટે પણ એક પ્રપોઝલ બની રહી છે એમ પણ તેમણે કહ્યું હતું. જોઈએ આ સિવાય તેઓ બીજું શું બોલ્યા...

ચેક-બાઉન્સિંગના કેસ વધી રહ્યા છે એને કારણે કોર્ટમાં કેસોની સંખ્યા પણ વધી રહી છે એથી નિગોશિયેબલ ઇન્સ્ટુમેન્ટ ઍક્ટ હેઠળ કેસોની સંખ્યા ઓછી કરવા માટે કેવાં પગલાં લઈ શકાય એ બાબત ઇન્ટર-મિનિસ્ટરિયલ ગ્રુપના વિચારાધીન છે.

હાઈ કોર્ટમાં જજોની નિવૃત્તિની વય વધારવા બંધારણમાં સુધારો કરવાનું બિલ સંસદ સમક્ષ છે.

સ્વતંત્ર ભારતમાં લોકોના અધિકારોની રક્ષા કરતી આ એક નોંધનીય સંસ્થા છે. એ વાતની નોંધ લેવી જોઈએ કે સ્વતંત્ર ભારતના પહેલા ચીફ જસ્ટિસ, ઍટર્ની જનરલ અને સૉલિસિટર જનરલ આ કોર્ટના હતા અને આજે પણ આ ત્રણેય પદ પર આવનારા મહાનુભાવો આ જ કોર્ટમાંથી આવે છે. લીગલ પ્રોફેશનમાં આદરથી નામ લઈ શકાય એવા સર જમશેદજી કાંગા, એચ. સી. કોયાજી, એમ. એ. ઝીણા અને સર દિનશા મુલ્લા તેમના જમાનામાં આ કોર્ટમાં કામ કરી ચૂક્યા છે.

બૉમ્બે હાઈ કોર્ટના બિલ્ડિંગમાં પહેલા વડા પ્રધાન

કોર્ટમાં કેસોનો ભરાવો થઈ રહ્યો છે ત્યારે બૉમ્બે હાઈ કોર્ટે વર્ષ ૨૦૧૦થી આ સંખ્યા ઘટાડવામાં સારો ફાળો આપ્યો છે અને એથી પેન્ડિંગ કેસોની સંખ્યા જુલાઈથી ડિસેમ્બર ૨૦૧૧માં છ લાખ જેટલી ઘટી ગઈ હતી.

બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ મોહિત શાહે કહ્યું હતું કે સિટિંગ પ્રાઇમ મિનિસ્ટર કોર્ટના બિલ્ડિંગમાં આવ્યા હોય એવો આ પહેલો જ પ્રસંગ છે.

 

આઇઆઇટી = ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી

આઇઆઇએમ = ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ