ઇન્ટરનેટ પર સરકાર પ્રતિબંધ ન લગાવી શકેઃ સુપ્રીમ કોર્ટ

11 January, 2020 01:13 PM IST  |  New Delhi

ઇન્ટરનેટ પર સરકાર પ્રતિબંધ ન લગાવી શકેઃ સુપ્રીમ કોર્ટ

સુ્પીમ કોર્ટ

દેશના જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ-૩૭૦ નાબૂદ કર્યા બાદ પાંચમી ઑગસ્ટ ૨૦૧૯થી કેન્દ્ર સરકાર દ્વારા લદાયેલા ઇન્ટરનેટ અને અન્ય પ્રતિબંધો વિશે સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપતી વખતે સ્પષ્ટ કહ્યું હતું કે સરકાર આ રીતે અનિશ્ચિત સમયગાળા માટે ઇન્ટરનેટની સાર્વજનિક અને ખાનગી સેવા બંધ કરી શકે નહીં. એક મહત્ત્વના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું કે ઇન્ટરનેટનો ઉપયોગ અને ઇન્ટરનેટ દ્વારા અભિવ્યક્તિનો અધિકાર એ (બંધારણના અધિકારોમાં અભિવ્યક્તિની કલમ ૧૯ (૧) (એ)નો ભાગ છે, સરકારે ઇન્ટરનેટ સહિત અન્ય પ્રતિબંધાત્મક પગલાંઓની એક સપ્તાહમાં સમીક્ષા કરીને કોર્ટને જાણ કરે.

સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો. ન્યાયાધીશ એન. વી. રમન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચમાં જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ બી. આર. ગવાઈએ આ મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો. કાશ્મીરમાં આપવામાં આવેલા પ્રતિબંધ સામે સુપ્રીમ કોર્ટમાં અનેક પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાશ્મીરમાં હિંસાનો એક લાંબો ઇતિહાસ રહેલો છે. આપણે સ્વતંત્રતા અને સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવું પડશે. નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું પણ જરૂરી છે. સરકાર દ્વારા જરૂર પડે ત્યારે જ ઇન્ટરનેટ બંધ થવું જોઈએ.

ક્રિમિનલ પ્રોસીજર કોડ (સીઆરપીસી)ની કલમ-૧૪૪ લાદવાના સરકારના નિર્ણય સામે પણ થયેલી રિટ અરજીઓની સુનાવણીમાં કોર્ટે ઠરાવ્યું કે કલમ-૧૪૪નો અમલ કરવો એ ઉપચારાત્મક અને નિવારક પગલાં છે અને એનો ઉપયોગ ફક્ત ત્યારે જ થઈ શકે જો હિંસાની શક્યતા હોય અને જાહેર સલામતીમાં જોખમ હોય.

સુપ્રીમના આદેશની મોટી બાબતો...

=લોકોને મતભેદ વ્યક્ત કરવાનો પૂરો અધિકાર છે
= સરકારે એના તમામ આદેશોની એક સપ્તાહમાં સમીક્ષા કરવી જોઈએ
= કાશ્મીરમાં સરકારે એના બિનજરૂરી આદેશ પાછા ખેંચી લેવા જોઈએ.
= તમામ આવશ્યક સેવાઓ ઇન્ટરનેટ સહિત પુનઃ સ્થાપિત કરવામાં આવે.

national news supreme court new delhi jammu and kashmir