30 March, 2023 01:52 PM IST | New Delhi | Gaurav Sarkar
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
એનસીએલએટી (નૅશનલ કંપની લૉ અપેલેટ ટ્રિબ્યુનલ)એ ગ્લોબલ ટેક કંપની ગૂગલને ૧૩૩૭.૯૬ કરોડ રૂપિયાનો દંડ ફટકારતાં સીસીઆઇ (કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા)ના આદેશને થોડા સુધારા સાથે ગઈ કાલે સમર્થન આપ્યું હતું. ઍન્ડ્રૉઇડ મોબાઇલ ડિવાઇસના કેસમાં આ આદેશ આપવામાં આવ્યો છે.
ટ્રિબ્યુનલની બે સભ્યોની બેન્ચે ગૂગલને આ આદેશનું પાલન કરવા અને ૩૦ દિવસમાં આ રકમ જમા કરાવવા માટે આદેશ આપ્યો હતો.
અધ્યક્ષ જસ્ટિસ અશોક ભૂષણ અને સભ્ય આલોક શ્રીવાસ્તવની ટ્રિબ્યુનલની બેન્ચે સીસીઆઇના ૨૦મી ઑક્ટોબર, ૨૦૨૨ના રોજ આપવામાં આવેલા આદેશમાં થોડા ફેરફારો કર્યા હતા. સીસીઆઇના આદેશમાં સુધારાની વાત કરીએ તો એમાં ગૂગલ સૂટ સૉફ્ટવેરને અનઇન્સ્ટૉલ કરવા માટે પરમિશનને સંબંધિત થોડોક ભાગ તેમ જ અન્ય કેટલાક મુદ્દાઓને નાબૂદ કરવા સામેલ છે. ટ્રિબ્યુનલે ગૂગલની એ અરજીને પણ ફગાવી દીધી હતી કે સીસીઆઇ દ્વારા તપાસમાં કુદરતી ન્યાયનો ભંગ થયો છે.
ગૂગલ પર પ્લે સ્ટોરની પૉલિસીને સંબંધિત પોતાના વર્ચસનો દુરુપયોગ કરવાના સંબંધમાં સીસીઆઇએ દંડ ફટકાર્યો હતો. સીસીઆઇએ ગૂગલ પર ઍન્ડ્રૉઇડ મોબાઇલ ડિવાઇસના સેક્ટરમાં પોતાની પાવરફુલ પોઝિશનનો દુરુપયોગ કરીને સ્પર્ધાને અવરોધ ઊભો કરવાના આરોપ બાદ આ દંડ ફટકાર્યો હતો.