સારા સમાચારઃઅલ-નિનોનો ખતરો અંતે ટળ્યો: ચોમાસામાં વરસાદ સારો પડશે

12 April, 2019 08:03 AM IST  | 

સારા સમાચારઃઅલ-નિનોનો ખતરો અંતે ટળ્યો: ચોમાસામાં વરસાદ સારો પડશે

સારું રહી શકે છે ચોમાસું

અલ-નિનો અંગે હવામાન ખાતાને છેલ્લા થોડા સમયથી જે ચિંતા હતી એ ટળી ગઈ છે. દેશના હવામાન ખાતાના અંદાજ મુજબ આ વર્ષે અલ-નિનોનો ખતરો ટળતાં ચોમાસું ઘણું સારું જાય એવી શકયતા છે. ઇન્ડિયા મિટિયોરોલૉજિકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ અલ-નિનો નબળું પડી ગયું છે અને એને કારણે દેશના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં ચોમાસું નબળું જવાનો જે ખતરો તોળાતો હતો એ ઘટી ગયો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં અડધાથી વધુ ખેતઉત્પાદન ચોમાસાના વરસાદ પર નભે છે.

નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું કે અલ-નિનોની પરિસ્થિતિ નબળી પડી ગઈ હોવાનું જોવા મળ્યું છે. હવે એ લાંબો સમય નહીં ટકે અને લાગતું નથી કે એની ચોમાસા પર કોઈ મોટી અસર પડે. તેમણે જોયું કે પૅસિફિક મહાસાગરની હવામાન પર અસર અંગે ખાતું ચાંપતી નજર રાખી રહ્યું છે. ગયા મહિને યુએસની એજન્સીઓએ આગાહી કરી હતી કે અલ નિનોની અસર આખો ઉનાળો રહેવાની શકયતા ૬૦ ટકા જેટલી વધારે છે. આને કારણે ભારતમાં ચોમાસું નબળું જવાનો ડર ફેલાયો હતો.

આ પણ વાંચોઃ રાજ્યમાં કમોસમી ઝાપટાં પડવાની શક્યતા, ઉ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં બદલાશે વાતાવરણ

અલ નિનો એટલે સમુદ્રની સપાટીનું તાપમાન અજુગતી રીતે વધી જવાની ઘટના. પૅસિફિક સમુદ્રની સપાટીનું તાપમાન આખી દુનિયાના હવામાન પર અસર કરે છે. એમાં જુલાઈથી સપ્ટેમ્બરમાં ભારતમાં પડતા ચોમાસા પર પણ એની અસર વર્તાય છે. જો ભેજ અને ગરમીનું પ્રમાણ ન જળવાય તો દેશમાં સરખો વરસાદ પડતો નથી.

national news mumbai weather