રામ મંદિરમાં દાનના ગોટાળામાં ટિનુ યાદવના ઘરમાંથી મળ્યું કરોડોનું સોનું

17 June, 2026 09:17 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

સમિતિની તપાસ પહેલાં જ રામ મંદિર ટ્રસ્ટની ટીમે રામ શંકર યાદવના ઘરમાંથી સોનાના દાગીના જપ્ત કરી લીધા હતા, લગભગ ૫૦ કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ પણ પકડાઈ

અયોધ્યા રામ મંદિર

સોમવારે બપોરે રામ મંદિરમાં ૩ સદસ્યોની તપાસ સમિતિએ ઊલટતપાસ શરૂ કરી એ પહેલાં જ શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પાંચ શંકાસ્પદો પાસેથી બે કરોડ રૂપિયા રોકડા, એક લક્ઝરી કાર અને ૩ આઇફોન જપ્ત કર્યાં હતાં. આ ગોટાળાના સંદર્ભે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના વિશ્વાસુ સહયોગી રામ શંકર યાદવ ઉર્ફે ટિનુનું નામ પણ સામે આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે ૧૩ જૂને મંદિરની સુરક્ષા સાથે સંકળાયેલા ૬ લોકોની ટીમ ટિનુના ઘરે પહોંચી હતી અને ત્યાંથી મોટી માત્રામાં સોનું જપ્ત કરીને સાથે લઈ ગઈ હતી.

ટિનુના રામ મંદિરથી દોઢ કિલોમીટર દૂર સ્વર્ગદ્વાર વિસ્તારમાં આવેલા બાપદાદાના ઘરેથી આ માલ મળ્યો હતો. ટિનુનું એક ઘર ઍરપોર્ટ પાસે પણ છે, જેમાં તે હૉસ્ટેલ ચલાવે છે. ૭૦ રૂમવાળી આ હૉસ્ટેલ પર સર્ચઑપરેશન થઈ શકે છે. ટિનુ પાસે લગભગ ૫૦ કરોડ રૂપિયાની બેનામી સંપત્તિના દસ્તાવેજો પણ મળી આવ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે. 

વધુ બે લોકો શંકાના રડાર પર 

સુરક્ષા-એજન્સીઓના રડાર પર સોમેશ આનંદ અને કે. ડી. તિવારી નામના બે જણ પણ શંકાના ઘેરામાં આવ્યા છે. સોમેશ આનંદ મંદિર નિર્માણના મુખ્ય સંચાલક ગોપાલ રાવનો ભત્રીજો છે. તેણે એક વર્ષમાં દેશનાં અલગ-અલગ રાજ્યોની પચાસથી વધુ વાર યાત્રાઓ કરી છે. તેના પર આરોપ છે કે તે મોટા થેલા લઈને બહારગામ ટ્રેનથી જતો હતો અને ફ્લાઇટમાં ખાલી હાથે પાછો આવતો હતો. રામલલાનાં આભૂષણો સંભાળવાની મુખ્ય જવાબદારી કે. ડી. તિવારીની હતી. સુરક્ષા-એજન્સીઓએ તેના ઘરે પણ છાપામારી કરી હતી. 

રામલલાને ધરવામાં આવી વિશ્વની સૌથી મોંઘી જપાનની મિયાઝાકી કેરી

વિશ્વની સૌથી મોંઘી કેરી અયોધ્યાના રામમંદિરમાં પ્રવેશી છે. ‘એગ ઑફ ધ સન’ તરીકે ઓળખવામાં આવતી જૅપનીઝ મિયાઝાકી કેરી પ્રથમ વખત ભગવાન રામને અયોધ્યાના મંદિરમાં અર્પણ કરવામાં આવી હતી. વિશ્વની સૌથી દુર્લભ અને મોંઘી કેરીની જાતોમાંની એક માનવામાં આવતી આ કેરીની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ કિલો ૨.૫ લાખથી ૩ લાખ રૂપિયાની વચ્ચે છે. એક કેરીની કિંમત આશરે એક લાખ રૂપિયા હોવાનો અંદાજ છે.

અયોધ્યાના સ્થાનિક ખેડૂત ઓમ પ્રકાશ સિંહે બે વર્ષ પહેલાં આ કેરીનું ઝાડ લગાવ્યું હતું અને સારા વાતાવરણને કારણે એમાં આ વર્ષે એક ડઝન કેરી લાગી હતી. પરંપરા મુજબ પાકેલી પહેલી કેરી તુલસીનાં પાન સાથે ભગવાન રામને અર્પણ કરવામાં આવી હતી.

આ કેરી અસાધારણ મીઠાશ, રસ, ફાઇબર અને ભરપૂર વિટામિન માટે જાણીતી છે. જપાનમાં આને રાજવી ફળ માનવામાં આવે છે. ભારતમાં આ કેરી ઘણી ઓછી જગ્યાએ થાય છે.

national news india ayodhya ram mandir religious places