ધનતેરસ પર મહારાષ્ટ્રમાં વેચાયું ૭૫૦ કરોડનું સોનું

13 November, 2012 03:41 AM IST  | 

ધનતેરસ પર મહારાષ્ટ્રમાં વેચાયું ૭૫૦ કરોડનું સોનું



ધનતેરસના શુભ દિવસે સોનું ખરીદતા લોકો પર સોનાના વધેલા ભાવની કોઈ અસર થઈ હોય એવું જણાયું નહોતું. ઊલટાનું આ વર્ષે‍ સોનાનું ૩૦ ટકા વધુ વેચાણ થયું હતું. વેચાણ (રૂપિયામાં) અને વૉલ્યુમ બન્નેમાં આ વધારો જોવા મળ્યો હતો. આ બાબતે ગીતાંજલિ જેમ્સના પ્રેસિડન્ટ અભિષેક ગુપ્તાએ કહ્યું હતું કે ‘ધનતેરસના દિવસે સોનું ખરીદતા લોકોમાં બહુ ઉત્સાહ જોવા મળ્યો હતો. સોનાના વધેલા ભાવની તેમની ખરીદી પર કોઈ અસર જોવા મળી નહોતી. દિવાળી પછી તરત જ લગ્નની સીઝન ચાલુ થતી હોવાથી જડાઉ અને કુંદની ટાઇપનાં ઘરેણાંનો ભારે ઉપાડ થયો હતો. આ ઉપરાંત હીરાજડિત ઘરેણાંના વેચાણમાં પણ ૫૦ ટકા જેટલો ઉછાળો નોંધાયો હતો. ડાયમન્ડ-સ્ટડેડ જ્વેલરીમાં મુખ્યત્વે લાઇટ-વેઇટ જ્વેલરી જેવી કે રિંગ, ઈયરરિંગ્સ અને પેન્ડન્ટની લોકોએ ખરીદી કરી હતી. ગઈ કાલે લોકોએ મોટા પ્રમાણમાં શુકન માટે સોનાના સિક્કા પણ ખરીદ્યા હતા.’

મુંબઈ જ્વેલર્સ અસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ કુમાર જૈને આ બાબતમાં કહ્યું હતું કે ‘અમને ધારણા કરતાં બહુ જ સારો રિસ્પૉન્સ મળ્યો છે. લોકોએ ધનતેરસના દિવસે ઝવેરીબજારમાંથી મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરી હતી. ગયા વર્ષ કરતાં અંદાજે ૩૦ ટકા વધુ સેલ થયું હતું. ઓવરઑલ મહારાષ્ટ્રમાં ધનતેરસ નિમિત્તે ૭૫૦ કરોડ રૂપિયાના સોનાનું વેચાણ થયું છે.’

શ્રી ગણેશ જ્વેલરીના રાહુલ સિંહે કહ્યું હતું કે ‘સોનાના ભાવ હજી વધે એવી શક્યતા છે. શોરૂમ દ્વારા આપવામાં આવતી વિવિધ ડિસ્કાઉન્ટ ઑફરો અને લગ્નની સીઝન નજીકમાં જ હોવાથી લોકોએ ધનતેરસના દિવસે સોનાની ધૂમ ખરીદી કરી હતી. અમે ધનતેરસના દિવસે ઓવરઑલ ૭૫ ટકા વધુ ધંધો કર્યો હતો.’ 

કોટક મહિન્દ્ર બૅન્કના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ પુનિત કપૂરે કહ્યું હતું કે ‘સોનાના સિક્કાના વેચાણમાં આ વર્ષે‍ ૨૦ ટકાનો વધારો થયો છે. આ વર્ષે‍ કુલ ૧૫૦ કિલો સોનાના સિક્કા અમે વેચ્યા હતા. ગયા વર્ષે‍ આ જ આંકડો ૧૨૫ કિલોનો હતો. અમે સૌથી વધુ પાંચ ગ્રામ અને આઠ ગ્રામ સોનાના સિક્કાનો સ્ટૉક કર્યો હતો અને સૌથી વધુ એ જ સિક્કાઓ વેચાયા હતા.’

સોનાની આ ડિમાન્ડ અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના વધી રહેલા ભાવને આંતરરાષ્ટ્રીય ઘટનાની અસર જણાવતાં એમકે કૉમોડિટીઝ રિસર્ચના ઍનિલ્ાસ્ટ કુણાલ સોનીએ કહ્યું હતું કે ‘ઇટલી અને ફ્રાન્સના નબળા ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનના રિપોર્ટ અને અમેરિકામાં ચાલી રહેલી મંદીને કારણે સોનાને સેફ ઇન્વેસ્ટમેન્ટ ગણી લોકો એમાં વધુ ઇન્વેસ્ટ કરી રહ્યા છે.’

રીટેલ ગ્રાહકો અને ટ્રેડરોની ખરીદીને પગલે સોના-ચાંદીના ભાવ વધ્યા

દિવાળીના તહેવારોને કારણે રીટેલ ગ્રાહકો અને ટ્રેડરોની ખરીદી જળવાઈ રહેતાં ગઈ કાલે સોના-ચાંદીના ભાવ વધ્યા હતા. ૯૯.૫ ટચ ૧૦ ગ્રામ સોનાના ભાવ ૨૫૦ રૂપિયા વધીને ૩૧,૯૦૦ રૂપિયા અને ૯૯.૯ ટચના ૨૮૦ રૂપિયા વધીને ૩૨,૦૩૫ રૂપિયા બંધ રહ્યા હતા. ચાંદીના ભાવ કિલોદીઠ ૬૦૫ રૂપિયા વધીને ૬૨,૩૬૫ રૂપિયાના સ્તરે બંધ રહ્યા હતા.

રીટેલ ઇન્ફ્લેશનમાં વૃદ્ધિ


ખાંડ, કઠોળ, ખાદ્ય તેલ અને શાકભાજીના ભાવ વધવાથી ઑક્ટોબરમાં રીટેલ ઇન્ફ્લેશન વધીને ૯.૭૫ ટકા થયું છે, જે સપ્ટેમ્બરમાં ૯.૭૩ ટકા હતું. ઑક્ટોબરમાં ખાંડના ભાવમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. ઑક્ટોબર ૨૦૧૧ની સરખામણીએ ઑક્ટોબર ૨૦૧૨માં ખાંડના ભાવ ૧૯.૬૧ ટકા, ખાદ્ય તેલના ૧૭.૯૨ ટકા, કઠોળના ૧૪.૮૯ ટકા અને શાકભાજીના ૧૦.૭૪ ટકા વધ્યા છે.