ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જી. કે. વાસન કૉન્ગ્રેસ છોડીને નવો પક્ષ બનાવશે

04 November, 2014 05:36 AM IST  | 

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જી. કે. વાસન કૉન્ગ્રેસ છોડીને નવો પક્ષ બનાવશે




માંડ-માંડ પોતાના પગ ઉપર ફરી ઊભા થવા મરણિયા પ્રયાસો કરી રહેલી કૉન્ગ્રેસને એક વધુ ફટકો પડ્યો છે. તામિલનાડુમાં કૉન્ગ્રેસના એક મોટા નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જી. કે. વાસને પક્ષ છોડી દીધો છે. વાસન પોતાનો પક્ષ રચશે. વાસનના આ પગલાનો વળતો પ્રહાર કરી કૉન્ગ્રેસે તેમને પક્ષની વિરુદ્ધ નિવેદનો આપવા બદલ પક્ષમાંથી કાઢી મૂક્યા છે. જે રીતે કૉન્ગ્રેસ હાઈકમાન્ડે રાજ્ય એકમની કાર્યવાહીમાં અગ્રણી નેતાઓની અવગણના કરી હતી એથી ગુસ્સામાં આવેલા વાસને પક્ષ છોડી દીધો છે. વાસન ભૂતપૂર્વ અગ્રણી કૉન્ગ્રેસ નેતા જી. કે. મુપનારના પુત્ર છે.

પોતાના નિર્ણયની જાહેરાત કરતાં ગઈ કાલે વાસને એક પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે ‘અમે આ નિર્ણય પક્ષના લાખો કાર્યકર્તાઓનો મત મેળવી અને કૉન્ગ્રેસના નેતાઓનો મત મેળવીને લીધો છે. અમે અમારું રાજીનામું મોકલી આપ્યું છે. હવે હું નવો પક્ષ રચવાનો છું.’

૧૮ વર્ષ પહેલાં વાસનના પિતા જી. કે. મુપનારે કૉન્ગ્રેસથી છૂટા પડી તામિલ મનિલા કૉન્ગ્રેસ (TMC)ની સ્થાપના કરી હતી. આ પાર્ટીએ DMK સાથે મળી ૧૯૯૬માં રાજ્ય વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં વિજય મેળવ્યો હતો. ત્યાર બાદ ૨૦૦૨માં પાર્ટી કૉન્ગ્રેસમાં વિલીન થઈ હતી.

કૉન્ગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી અને ઉપપ્રમુખ રાહુલ ગાંધીની ટીકા ન કરતાં વાસને રાજ્યમાં પાર્ટીની હાલત માટે અન્યોને જવાબદાર ગણાવ્યા હતા. વાસને ઉમેર્યું હતું કે તામિલનાડુમાં જીતવા માટે કૉન્ગ્રસ પાર્ટીએ પૂરતો પ્રયાસ કર્યો નહોતો.

વાસનના હુમલાની પ્રતિક્રિયા આપતાં કૉન્ગ્રેસના પ્રવકતા અજોય કુમારે પાર્ટીમાંથી વાસનની હકાલપટ્ટીની જાહેરાત કરી હતી. અજોય કુમારે પાર્ટીના નિર્ણયની જાણ કરતાં જણાવ્યું હતું કે પાર્ટીએ વાસનની પાર્ટી નેતૃત્વ પર અભદ્ર ટિપ્પણીઓને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પિતાના પગલે

જી. કે. વાસને જ્યારે કૉન્ગ્રેસ પાર્ટી છોડી પોતાનો નવો પક્ષ રચવાની જાહેરાત કરી ત્યારે ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે એમ લાગે છે. આ જ પગલું વાસનના પિતા જી. કે. મુપનારે ૧૯૯૬માં જ્યારે કૉન્ગ્રેસે AIADMK સાથે તાલમેલ કર્યો ત્યારે ગુસ્સામાં આવી વ્પ્ઘ્ની સ્થાપના કરી હતી. જોકે ૨૦૦૨માં મુપનારના મૃત્ય પછી આ પાર્ટી કૉન્ગ્રેસમાં વિલીન થઈ હતી. જી. કે. વાસને કૉન્ગ્રેસમાં ૧૪ વર્ષ વિતાવ્યા બાદ પોતે નવી પાર્ટી રચવાનો ઇરાદો જાહેર કર્યો છે. વાસને જાહેરાત કરી હતી કે તેઓ રાજ્યમાં કામરાજનું શાસન પાછું લાવશે.