રોડ-ઍક્સિડન્ટ માટે ગર્લફ્રેન્ડ જવાબદાર : રમણ સિંહ

12 November, 2012 03:30 AM IST  | 

રોડ-ઍક્સિડન્ટ માટે ગર્લફ્રેન્ડ જવાબદાર : રમણ સિંહ



ગઈ કાલે રાયપુરમાં યોજોયલા ટ્રાફિકમાં સુરક્ષા માટેના એક સેમિનારમાં વાત કરતી વખતે છત્તીસગઢના મુખ્ય પ્રધાન રમણ સિંહે નિવેદન આપ્યું છે કે હાઇટેક મોટરબાઇક, ડ્રાઇવિંગ વખતે ફોન પર વાત કરવાની આદત તેમ જ પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા માટે કરવામાં આવતી સ્ટન્ટબાજી યુવાનો માટે જીવલેણ બની રહી છે અને આ ત્રણેયના કૉમ્બિનેશનને કારણે રોડ અકસ્માતોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે.

નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે ૨૦૧૧માં દેશમાં ૧.૧૦ લાખ કરતાં વધારે લોકોનાં રોડ અકસ્માતમાં મૃત્યુ નોંધવામાં આવ્યાં છે અને રોજ લગભગ ૩૦૦ લોકો આ અકસ્માતોને કારણે અવસાન પામે છે. આ અકસ્માત માટે ખરાબ રસ્તા, એકદમ સ્પીડમાં જતાં વાહનો તેમ જ ખરાબ ડ્રાઇવિંગ જેવાં પરિબળો જવાબદાર છે.

આ સેમિનારમાં રમણ સિંહે કહ્યું હતું કે ‘રોડ-અકસ્માતમાં જે વ્યક્તિઓ ભોગ બને છે એમાં ૫૫થી ૬૦ ટકા યુવાનો હોય છે. યુવાનોને ઘણી વાર ડ્રાઇવિંગ કરતાં-કરતાં ફોન પર વાત કરતા જોવામાં આવે છે અને તેમની આ આદત જ તેમને માટે ઘાતક બને છે અને અકસ્માત નોંતરે છે. યુવાનોએ આવી કુટેવથી દૂર રહેવું જોઈએ. લોકો મોંઘીદાટ બાઇક ખરીદતી વખતે તો પૈસાનો વિચાર નથી કરતા, પણ સલામતી માટે હેલ્મેટ જેવાં ઉપકરણો માટે પૈસા ખર્ચતી વખતે ગુણવત્તા સાથે સમાધાન કરે છે.’