06 February, 2026 09:34 AM IST | Ghaziabad | Gujarati Mid-day Correspondent
ગાઝિયાબાદની ત્રણેય સગીર બહેનો
ગાઝિયાબાદમાં ત્રણ બહેનોએ ‘કોરિયન લવ ગેમ’ના રવાડે ચડીને નવમા માળેથી સુસાઇડ કરી લીધું એ ઘટનામાં હજી વધુ ખુલાસાઓ થઈ રહ્યા છે. આ છોકરીઓ કઈ હદે કોરિયન ગેમથી પ્રભાવિત થયેલી હતી એ જાણીને સૌ હેરાન છે. કોરિયન ગેમનો પચાસમો અને છેલ્લો ટાસ્ક પૂરો કરવા માટે થઈને તેમણે મોતને વહાલું કરી લીધું હોવાનું પહેલી નજરે લાગી રહ્યું છે. જોકે સુસાઇડ પછીની તપાસમાં જાણવા મળ્યું હતું કે પિતા ચેતન દીકરીઓને વઢ્યા હતા અને તેમણે મોબાઇલ છીનવી લીધો હતો. એ પછી ત્રણે દીકરીઓએ ત્રીજી ફેબ્રુઆરીની રાતે સવાબે વાગ્યે બાલ્કનીમાંથી કૂદીને સુસાઇડ કરી લીધું હતું.
આ છોકરીઓ કોરિયન કલ્ચરથી એટલી પ્રભાવિત હતી કે તેઓ પોતાને પણ ઇન્ડિયન માનતી નહોતી. તેમણે પોતાનાં કોરિયન નામો પણ રાખ્યાં હતાં. ૧૬ વર્ષની નિશિકાનું કોરિયન નામ હતું મારિયા, ૧૪ વર્ષની પ્રાચીનું કોરિયન નામ હતું સિન્ડી અને ૧૨ વર્ષની પાખીનું કોરિયન નામ હતું આજિયા. તેમને કોરિયન છોકરાઓ જ પસંદ આવતા હતા અને ભારતીય તરીકે ઓળખાવું પણ ગમતું નહોતું. ઘરમાં એકબીજાની સાથે વાતચીત પણ કોરિયન ભાષામાં કરતી હતી. પહેરવેશ, ખાવા-પીવાની અને વાત કરવાની રીતો પણ કોરિયન લોકો જેવી જ અપનાવી લીધી હતી. યુટ્યુબ પરથી જ તેમણે કોરિયન ભાષા શીખી લીધી હતી અને પોતાની ચૅનલ બનાવીને કોરિયન કન્ટેન્ટ પણ ક્રીએટ કરતી હતી. જોકે એક મહિના પહેલાં જ તેમણે આ ચૅનલ જાતે જ ડિલીટ પણ કરી દીધી હતી.
લો, તમે અમને કોરિયન ગેમ છોડાવશો? કોરિયન અમારો જીવ છે. તુમને હિંમત ભી કૈસે કિ હમસે હમારી જાન છુડવાને કી. તમે નથી જાણતા કે અમે એને કેટલું ચાહીએ છીએ. તો હવે જોઈ લો એનો પુરાવો. હવે તો તમને ખાતરી થશે કે કોરિયન અને કે-પૉપ અમારી જાન છે. જેટલું અમે કોરિયન ઍક્ટર અને કે-પૉપ ગ્રુપને ચાહીએ છીએ એટલું તો તમને પણ નથી ચાહતા. એ સિવાય પણ કેટલીક ચીજો એવી હતી જેને અમે જીવથી પણ વધુ ચાહીએ છીએ. તમને એ ઑપ્શન આપ્યા હતા. અમે ત્રણેય દેવુને પોતાનો બનાવવા માગતા હતા, પણ તમે લોકોએ મોકો ન આપ્યો. શું અમે કંઈ તમારો માર ખાવા માટે જીવીએ? માર ખાવાથી બહેતર તો મોત જ સારું છે. અને લગ્નના નામે તો અમને બહુ ચિંતા હતી. અમે કોરિયનને જ પ્રેમ કરીએ છીએ.