પૂર્વ દિલ્હીમાં લાગ્યાં પોસ્ટર ગૌતમ ગંભીર લાપતા

18 November, 2019 10:52 AM IST  |  New Delhi

પૂર્વ દિલ્હીમાં લાગ્યાં પોસ્ટર ગૌતમ ગંભીર લાપતા

ખોવાયા છે ગૌતમ ગંભીર!

આઇટીઓ વિસ્તારમાં પૂર્વ દિલ્હીના સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરના ગુમ થયા હોવાના પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. આ પોસ્ટરની નીચે લખ્યું છે કે, શું તમે આમને ક્યાંય જોયા છે? છેલ્લે તેઓ ઇન્દોરમાં જલેબી ખાતા દેખાયા હતા. સમગ્ર દિલ્હી તેમને શોધી રહી છે.
દિલ્હીમાં પ્રદૂષણ માટે અગાઉ શહેરી વિકાસની સંસદીય સ્થાયી કમિટીની બેઠક યોજાઈ હતી. ગૌતમ ગંભીર આ બેઠકમાં હાજર થયા ન હતા. બેઠકમાં સામેલ નહીં થવાને કારણે ગંભીરની સોશ્યલ મીડિયા પર ખૂબ ટીકા થઈ હતી. ગંભીરે આ અંગે જણાવ્યું હતું કે મારું કામ બોલશે. જો મને ગાળ આપવાથી દિલ્હીનું પ્રદૂષણ ઓછું થાય છે તો મને પેટભરીને ગાળો આપો.
શહેરી વિકાસ મંત્રાલય સાથે સંલગ્ન સંસદની સ્થાયી કમિટીની એક બેઠકને એટલા માટે રદ કરવામાં આવી કેમકે અનેક સાંસદ અને અધિકારી આ બેઠકમાં હાજર રહ્યા ન હતા. બેઠકમાં દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણના મુદ્દા પર ચર્ચા થવાની હતી. પ્રાપ્ત માહિતી મુજબ આ બેઠકમાં માત્ર અધ્યક્ષ જગદંબિકા પાલ, હસનૈન મસૂદી, સી. આર. પાટીલ અને સંજયસિંહ હાજર રહ્યા હતા.
ત્યાં જ દિલ્હીના ત્રણેય એમસીડીના કમિશનર પણ આ બેઠકમાં પહોંચ્યા ન હતા. બેઠક પાર્લામેન્ટ એનેક્સીમાં સવારે ૧૧ કલાકે યોજાવાની હતી, પરંતુ હેમા માલિની અને ગૌતમ ગંભીર, જે આ સ્થાયી કમિટીના સભ્ય છે, તેઓ આ બેઠકમાં ગેરહાજર હતા. ગૌતમ ગંભીર હાલ ઇન્દોરમાં ભારત-બંગલા દેશની ટેસ્ટ મૅચની કૉમેન્ટ્રી કરી રહ્યા છે.

east delhi gautam gambhir