News In Short: અદાણીનો ૧૦૦ વગદાર લોકોની યાદીમાં સમાવેશ

24 May, 2022 12:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, સુપ્રીમ કોર્ટના વકીલ કરુણા નંદી અને કાશ્મીરના માનવાધિકાર કાર્યકર્તા ખુર્રમ પરવેઝને ટાઇમ મૅગેઝિન દ્વારા ૨૦૨૦ના વિશ્વના સૌથી વગદાર લોકોની યાદીમાં સામેલ કરાયા છે.

ગૌતમ અદાણી

અદાણીનો ૧૦૦ વગદાર લોકોની યાદીમાં સમાવેશ
નવી દિલ્હી : ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, સુપ્રીમ કોર્ટના વકીલ કરુણા નંદી અને કાશ્મીરના માનવાધિકાર કાર્યકર્તા ખુર્રમ પરવેઝને ટાઇમ મૅગેઝિન દ્વારા ૨૦૨૦ના વિશ્વના સૌથી વગદાર લોકોની યાદીમાં સામેલ કરાયા છે. જેમાં છ અલગ-અલગ શ્રેણી બનાવવામાં આવી છે. જેમાં આઇકન્સ, પાયનિયર્સ, ટાઇટન્સ, આર્ટિસ્ટ, લીડર્સ અને ઇનોવેટર્સનો સમાવેશ થાય છે. અદાણીને ટાઇટન્સની યાદીમાં અૅપલના સીઈઓ ટીમ કૂક અને અમેરિકાની હોસ્ટ ઓપેરા વિન્ફ્રે જેવા સાથે સ્થાન આપવામાં આવ્યું છે, તો નંદી અને પરવેઝનો લીડર્સની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 

દિલ્હીવાસીઓને ગરમીથી રાહત
નવી દિલ્હી : દિલ્હીમાં ગઈ કાલે સવારે પડેલા વરસાદે દિલ્હીના લોકોને ગરમીથી રાહત આપી છે, જોકે આ રાહત લાંબા સમયની નથી. હજી છ દિવસ ભારે ગરમીની આગાહી હવામાન ખાતાએ કરી છે. ગઈ કાલે ભારે પવન સાથે થોડો વરસાદ પડ્યો હતો, જેને કારણે તાપમાન ઘટીને મિનિમમ ૧૭.૨ ​ડિગ્રી થઈ ગયું હતું. વરસાદને કારણે હવાઈ સેવાઓને અસર પડી હતી, તો વૃક્ષો પડી જવાને કારણે આઠ લોકો ઘાયલ થયા હતા. 

બીજેપીનું શાસન હિટલર કરતાં ખરાબ: મમતા બૅનરજી
કલકત્તા : પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ કેન્દ્રમાં બીજેપી સરકાર પર શાબ્દિક પ્રહાર કરતાં એના પર કેન્દ્રીય એજન્સીઓનો સહારો લઈને રાજ્યની બાબતોમાં દખલ દેવાનો આક્ષેપ કર્યો હતો. બીજેપી પર આત્યંતિક આરોપ મૂકતાં તેમણે કહ્યું હતું કે બીજેપીનું શાસન ઍડૉલ્ફ હિટલર, જોસેફ સ્ટાલિન અને બેનિટો મુસોલિની કરતાં પણ ભ્રષ્ટ છે.   
તેમણે દેશમાં લોકશાહીના રક્ષણ માટે કેન્દ્રીય એજન્સીઓની સ્વાયત્તતાની હાકલ 
કરી હતી.

national news Gautam adani