ગંગા-યમુનાને મનુષ્ય જેવા તમામ અધિકારો

21 March, 2017 04:25 AM IST  | 

ગંગા-યમુનાને મનુષ્ય જેવા તમામ અધિકારો


ગંગા નદી


ઉત્તરાખંડની હાઈ કોર્ટે ગઈ કાલે ગંગા અને યમુના નદીને મનુષ્ય સમાન અધિકારો આપતો એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. નૈનીતાલ હાઈ કોર્ટે ગંગા અને યમુના નદીને ભારતની પહેલી જીવિત નદીઓ તરીકે માન્યતા આપી હતી. અત્યાર સુધી વિશ્વમાં માત્ર ન્યુ ઝીલૅન્ડમાં વાનકુઈ નદીને જીવતા મનુષ્ય જેવા અધિકારો પ્રાપ્ત છે. આશા છે કે હાઈ કોર્ટના આ ચુકાદાને લીધે દેશની પવિત્ર નદી ગંગા અને યમુનાના સારા દિવસો આવશે. બંધારણે મનુષ્યને જે મૂળભૂત અધિકારો આપ્યા છે એ હવે ગંગા અને યમુના નદીને પણ પ્રાપ્ત થશે.

યમુના નદી


સિનિયર જસ્ટિસ રાજીવ શર્મા અને જસ્ટિસ આલોક સિંહની ખંડપીઠે હરિદ્વારના રહેવાસી મોહમ્મદ સલીમની જનહિતની અરજી પર થયેલી સુનાવણીમાં આ ચુકાદો આપ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ બન્ને રાજ્યો ગંગા સાથે જોડાયેલી નહેરોની આસપાસ આવેલી સંપત્તિનો ભાગ પાડતા નથી. 

આ ચુકાદો આપતાં ખંડપીઠે શક્તિ નહેરમાં ઢકરાણી ખાતે આવેલું અતિક્રમણ ૭૨ કલાકમાં હટાવવા દેહરાદૂનના જિલ્લા મૅજિસ્ટ્રેટને આદેશ આપ્યો હતો. આ સાથે જ ખંડપીઠે પોતાના આગલા આદેશ અનુસાર આગામી આઠ અઠવાડિયાંમાં ગંગા મૅનેજમેન્ટ બોર્ડની રચના કરવાનો પણ આદેશ આપ્યો હતો.


આ ચુકાદાથી આશા જાગી છે કે ઉત્તર પ્રદેશમાં પણ ગંગાની હાલતમાં સુધારો થશે. ઉત્તરાખંડથી ઉત્તર પ્રદેશમાં ગંગા પ્રવેશતાં જ ગંગા ગંદું નાળું બની જાય છે. ગંગાનું ઉદ્ગમસ્થાન ગંગોત્રી પણ પ્રદૂષિત થઈ ગયું છે. હવે બન્ને રાજ્યોમાં BJPની સરકાર આવવાથી ગંગાના કાયાકલ્પનું સ્વપ્ન પૂરું થવાની આશા ફરી જાગી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાનાં ભાષણોમાં વારંવાર ગંગા અને અન્ય નદીઓ સાફ કરવાનો અનુરોધ કરે છે. આ હેતુસર કેન્દ્ર સરકારે નમામિ ગંગે પરિયોજના પણ શરૂ કરી છે. જોકે આ યોજના મોટા ભાગે વિવાદોમાં ઘેરાયેલી રહે છે.