બાપ્પાની સવારી આવી પહોંચી છે ત્યારે જાણીએ ગણપતિનો ગજબ મહિમા

20 September, 2012 05:28 AM IST  | 

બાપ્પાની સવારી આવી પહોંચી છે ત્યારે જાણીએ ગણપતિનો ગજબ મહિમા




(બુધવારની - બલિહારી - કિરણ કાણકિયા)

આજે ગણેશચતુર્થી. કોઈ પણ કાર્યનો આરંભ કરતી વખતે પ્રથમ ગણપતિને યાદ કરવામાં આવે છે, કેમ કે ગણપતિ બધા ગણોના અધિપતિ છે. બુદ્ધિના અધિષ્ઠાતા છે. તેમની પૂજાથી બુદ્ધિ વિનમ્ર થાય અને સદ્બુદ્ધિ પ્રાપ્ત્ા થાય.

આપણા ધર્મગ્રંથોમાં શ્રી ગણેશની ત્રણ વ્યાખ્યા છે. (૧) આધિભૌતિક (૨) આધિદૈવિક અને (૩) આધ્યાત્મિક. શ્રી ગણેશ વૈદિક દેવ છે. રુદ્રની ‘અષ્ટાધ્યાયી’ની શરૂઆત ગણેશજીના ધ્યાનથી થાય છે. ‘શ્રી ગણપતિ અર્થવર્શીષ’ની રચના શ્રી ગણેશ વૈદિક દેવ હોવાની સાબિતી છે. હિન્દુ ધર્મના પંચાયતનમાં પાંચ મુખ્ય ઉપાસના રૂપોમાં શ્રી ગણેશનો સમાવેશ થાય છે.

શ્રીગણેશ ‘વિઘ્નહર્તા’ તરીકે જ વધુ પ્રસિદ્ધ છે. શ્રદ્ધાપૂર્વક સંકલ્પ કરીને શ્રી અર્થવર્શીષનાં ૨૧ આવર્તનો અભિષ્ોક સાથે કર્યા બાદ ગણપતિનાં ૨૧ નામ લઈને ૨૧ દૂર્વા ચડાવતા ભક્તનું સંકટ ધીરે-ધીરે દૂર થાય છે.

ચોથનો મહિમા

ગણેશપુરાણ અનુસાર ગણેશની જન્મતિથિ માગશર સુદ ચોથ છે અને ભાદરવા સુદ ચતુર્થી એ મહાસિદ્ધિ વિનાયકી ચોથ કહેવાય છે અને ધામધૂમથી ઊજવવામાં આવે છે, કેમ કે ગણપતિ લોકદેવતા છે. ગણપતિ શબ્દનો અર્થ લોકનાયક થાય છે.

ગણેશજીને ચોથ અતિપ્રિય છે; એટલે જ માગશર સુદ ચોથ, મહા સુદ ચોથ, વૈશાખ સુદ ચોથ અને ભાદરવા સુદ ચોથ એ ગણેશજીની ઉપાસના કરવાની તિથિ ગણાય છે.

વેદાંત શાસ્ત્રદ્રષ્ટા અનુસાર ચતુર્થી એટલે તુરિયાવસ્થા અને ગણપતિ અવસ્થા એટલે એ જાગૃતિ, સ્વપ્ન્ા અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થામાં પણ તુરીય ચોથી અવસ્થામાં રહેનાર છે જેનું સ્વરૂપ દર્શન થઈ સાક્ષાત્કાર થાય છે. આ ચોથ જુદાં- જુદાં નામે ઓળખાય છે. દર મહિનાની શુક્લ પક્ષની ચોથ વિનાયકી ચોથ કહેવાય. દર મહિનાની કૃષ્ણ-વદ પક્ષની ચોથ સંકષ્ટિ કહેવાય અને જ્યારે કૃષ્ણ પક્ષની વદ ચોથ મંગળવારે આવે ત્યારે એને અંગારિકા ચોથ કહેવાય છે. એનો મહિમા ભારે છે.

સ્વરૂપ ભાવના

ગણપતિ બાપ્પાના સ્વરૂપ પાછળ ગહન અર્થ છુપાયેલો છે. તેમનું હાથી જેવું મોટું માથું જીવનમાં જ્ઞાનની મહત્તા સમજાવે છે. સમગ્ર પ્રાણીઓમાં હાથી બુદ્ધિશાળી અને ધીરગંભીર પ્રાણી છે. ગણેશજી પણ ભારે બુદ્ધિશાળી ગણાય છે. તેમના સૂપડા જેવા મોટા કાન જ્ઞાનશ્રવણનું પ્રતીક છે. તેઓ બધું સાંભળે છે, પરંતુ માત્ર સાર ગ્રહણ કરે છે. તેમનું સૂંઢ જેવું લાંબું નાક કુશાગ્ર વિવેકબુદ્ધિનું દર્શન કરાવે છે. તેમની ઝીણી આંખો દૂરદૃષ્ટિ અને ગુણગ્રાહકતાનું પ્રતીક છે. તેઓ દૂરથી ઝીણામાં ઝીણી વસ્તુ પણ જોઈ શકે છે. તેમનું ગાગર જેવું વિશાળ પેટ એ ગંભીરતા અને ઉદારતાનું પ્રતીક છે. જીવનમાં કડવા-મીઠા અનુભવોને પચાવવાની અને સમજપૂર્વક ધારણા કરવાની શીખ આપે છે. તેમના ટૂંકા પગ બુદ્ધિનું લક્ષણ છે અને લાંબા હાથ સૌભાગ્યનું લક્ષણ છે. તેમના દાંત ચતુરાઈ અને વ્યવહારકુશળતાનું પ્રતીક છે. તેમનો આખો દાંત શ્રદ્ધાનું અને અડધો દાંત બુદ્ધીનું પ્રતીક છે. તેમના ચાર હાથમાં પરશુ, પાશ, લાડુ અને કમળ છે. પરશુ સંકટનો નાશ કરે છે. પાશ ભવસાગર તારે છે. લાડુ મધુરતાનો ગુણ સૂચવે છે જે ભૌતિક સુખ-સમૃદ્ધિનો સૂચક છે. કમળ આધ્યાત્મિક વિકાસનું પ્રતીક છે. તેમનું વાહન મુષક-ઉંદર છે જે કાળનું પ્રતીક છે.

દૂર્વાનો મહિમા

ગણેશજી નિગુર્ણ, નિરાકાર, અજરામર એવા દેવ છે. તેમને લાલ રંગ પ્રિય છે. તેમના સ્થાપનનું કપડું લાલ રંગનું, નાડાછડી, કંકુ, જાસૂદનું ફૂલ બધું જ લાલમલાલ... કેમ કે તેમની જ્યાં પધરામણી થાય ત્યાં લાલી પથરાઈ જાય છે. વળી લીલા રંગની દૂર્વા તેમની પ્રિય. દૂર્વા વગરની પૂજા અપૂર્ણ ગણાય. આ દૂર્વા છે હલકી, તુચ્છ, પામર, જમીનમાં આપમેળે ઊગી જાય; પણ એનું મહત્વ છે ભારે. ચાલો જાણીએ.

એક દિવસ કાંૈડિન્ય •િષનાં પત્ન્ાી એક દૂર્વાદલની બદલીમાં ઇન્દ્ર પાસે ભારોભાર સોનું લેવા ગયા. ત્રાજવાના એક પલ્લામાં દૂર્વાદલ અને બીજા પલ્લામાં સોનાની લગડી મૂકી, પરંતુ દૂર્વાદલનું પલ્લુ નમતું રહ્યું. કુબેરે બીજા પલ્લામાં આખો સોનાનો ભંડાર મૂકી દીધો. છતાં સોનાનું પલ્લું નમ્યું નહીં. પછી બધા દેવો પલ્લામાં બેઠા. છતાં દૂર્વાદલવાળું પલ્લું ઊંચું ન થયું. તો આવો છે દૂર્વાનો મહિમા!

વિસર્જન શા માટે?

દસ દિવસ સુધી ગણેશોત્સવ ભારે ધામધૂમથી ઊજવવામાં આવે છે. છતાં અનંત ચતુર્દશીને દિવસે તેમનું જળમાં વિસર્જન કરવામાં આવે છે એનું રહસ્ય એ છે કે ગણેશજી જળતત્વના દેવતા છે. નદીની માટીમાંથી દેવમૂર્તિનું નર્મિાણ કરવામાં આવે છે. દસ દિવસ સુધી તેમનું પૂજન કરવામાં આવે છે. પછી ધામધૂમથી વાજતે-ગાજતે તેમનું જળમાં જ વિસર્જન કરવામાં આવે છે. તેમની ઉત્પત્તિ, સ્થિતિ અને લય જળ જ છે.

વળી તેઓ કહે છે, ‘હું નિરાકાર છું. છતાં તમારે ત્યાં સાકાર મૂર્તિ સ્વરૂપે આવ્યો. તમે મારામાં પ્રેમ રાખ્યો. હું કણેકણમાં છું. ક્ષણેક્ષણમાં છું. સાકારમાં નિરાકારને જોવાની આદત કેળવો. એવી ભાવનાનો વિકાસ કરો. તમે મને વિરાટમાં જુઓ.’

આકારને અનંતમાં સમાવી દેવાય. તેથી વિસર્જન કરવું જોઈએ.

‘મોરયા’ શા માટે?

‘ગણપતિ બાપ્પા મોરયા’ના ભારે જયનાદથી વાતાવરણ ગુંજી ઊઠે છે. આ મોરયા નામ પાછળ એક કથા છે. મહારાષ્ટ્રના ચિંચવડ ગામમાં મોરયા ગોસાવી નામના સંત થઈ ગયા. મહારાષ્ટ્રમાં ગામેગામ ઠેર-ઠેર ગણેશ પ્રતિમા બનાવી એના પૂજન-અર્ચનનું મહત્વ આ સંતે બતાવ્યું. તેથી આ સંત બાપ્પ્ાા મોરયા તરીકે જાણીતા થયા અને તેમની યાદગીરીમાં લોકોએ ગણપતિ બાપ્પ્ાા પાછળ મોરયા જોડી દીધું. આપણે પણ આ દસ દિવસોમાં ગણેશજીનું આરાધન કરી ભાવથી પૂજીએ, સ્મરણ કરીએ અને વંદન કરીએ.

ગણેશજીને તુલસી વજ્ર્ય

ગણેશજીની પૂજામાં ધૂપ, દીપ, અગરબત્તી, નાગરવેલનાં પાન, જનોઈ, પુષ્પો, દૂર્વા, શ્રીફળ, લાડુ-પેંડા, ફળ ધરાવવામાં આવે છે; પરંતુ પ્રસાદ સાથે તુલસી ધરાવવામાં આવતી નથી. કેમ કે તુલસી વજ્ર્ય મનાય છે. આની પાછળ એક કથા છે. ચાલો જાણીએ.

બ્રહ્મકલ્પની આ વાત છે. પવિત્ર ગંગાકિનારે ગણેશજી શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા હતા. આ સ્થળે એક નવયૌવના આવી. ગણેશજીનું અદ્ભુત અને અલૌકિક રૂપ જોઈને સંમોહિત થઈ ગઈ ને તેણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને બોલી, ‘હું ધર્માત્યજની પુત્રી છું અને મનગમતા પતિની પ્રાપ્તિ માટે તપર્યા કરી રહી છું. આપ મને પત્ન્ાીના રૂપમાં સ્વીકાર કરો.’

આ સાંભળી ગણેશજી બોલ્યા, ‘માતા, લગ્ન્ાથી સુખ મળતું નથી. તેથી તમારું મન મારામાંથી હટાવી અન્યને પતિ તરીકે પસંદ કરો.’

આ સાંભળતાં જ નવયૌવનાએ ગુસ્સે થઈ ગણેશને શાપ આપ્યો, ‘તમારો વિવાહ જરૂર થશે.’

તેથી ગણેશજી ગુસ્સે થઈ બોલ્યા, ‘હે દેવી, તને પણ અસુર પતિ મળશે અને પછી મહાપુરુષના શાપથી તું વૃક્ષ બની જઈશ.’

આ સાંભળી તે ભયભીત બની શાપ પાછો લેવા વીનવવા લાગી. ત્યારે ગણેશજી બોલ્યા, ‘દેવી, મારો શાપ મિથ્યા નહીં થાય; પરંતુ તું ભગવાન વિષ્ણુની પ્રિયા થઈશ અને તારું વૃક્ષ તુલસી વૃક્ષના નામથી ઓળખાશે. ભક્તો તને આંખે લગાડી ધન્યતા અનુભવશે, પરંતુ મેં તને માતા કહી સંબોધી માટે મારી પૂજામાં તો તું સર્વદા ત્યાજ્ય રહેશે.’