ગણેશોત્સવનાડેકોરેશનમાં ભ્રૂણહત્યા, કરપ્શનની થીમ

14 September, 2012 07:47 AM IST  | 

ગણેશોત્સવનાડેકોરેશનમાં ભ્રૂણહત્યા, કરપ્શનની થીમ





(રત્ના પીયૂષ)

ગણેશોત્સવ માટે વિવિધ મંડળો દ્વારા ખાસ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેમાં સ્ત્રીભ્રૂણહત્યાની કરપ્શન વગેરે વિષયોને ધ્યાનમાં લઈને સજાવટના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ જ વિવિધ મંડળો દ્વારા, મંદિર, મહેલ (પૅલેસ) થીમ ઉપરાંત ભેળના ઉપયોગથી સાજસજાવટ કરવામાં આવશે. જ્યારે કેટલાંક મંડળો ગણપતિની સ્થાપના પહેલાં તેમની થીમ બતાવવા માગતા નથી.

મલાડ-વેસ્ટમાં આવેલી શ્યામ નર્મિલ કો-ઑપરેટિવ હાઉસિંગ સાસોયટીમાં શ્યામ નિર્મલ મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવનું આ ૧૫મું વર્ષ છે. મંડળના અધ્યક્ષ પરેશ પટેલે કહ્યું હતું કે અમારે ત્યાં અગિયાર દિવસના ગણપતિ લાવીએ છીએ. આ વર્ષે અમે ગણપતિની સજાવટ ભેળથી કરીશું. જેમાં અમે સેવ, મમરા, ચણા ટમેટા, બટેટા કોથમીર, પૂરી વગેરે ભેળમાં વપરાતી વિવિધ સામગ્રીનો ઉપયોગ કરવાના છીએ તેમ જ ત્યાં કીડી ,મંકોડા, ઉંદર કે અન્ય જીવાત ન થાય એ માટે યોગ્ય દવાનો છટંકાવ કરીશું. આ પહેલાં પણ અમે ટેડી બેર, ચા-કૉફી-સાકર, પૉલો પીપર, જેમ્સ ગોળી, નવ ગ્રહ સ્ટોન, ડ્રાયફ્રૂટ્સ વગેરેથી ગણપતિની સજાવટ કરી હતી. અમારા મંડળના ગણપતિની ખાસિયત છે કે દર વર્ષે વિવિધ થીમ અમારા મંડળના સભ્યો નક્કી કરે છે અને સજાવટ પણ સોસાયટીના સભ્યોે મળીને કરે છે. આ વર્ષે અમે છોટા ભીમનો આઠથી દસ મિનિટનો શો રાખ્યો છે. દર્શનાર્થીઓ તેનો પણ લાભ લઈ શકશે. ડીજે સાથે વાજતેગાજતે ગણપતિનું વિસર્જન કરીશું.




મલાડ-ઈસ્ટમાં આવેલા બાણડોગરી તાનાજી નગર સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારાનું ગણેશોત્સવનું ચાલીસમું વર્ષ છે. મંડળના અધ્યક્ષ નારાયણ સુર્વેએ કહ્યું હતું કે અમારે ત્યાં  અગિયાર દિવસના ગણપતિ આવે છે. આ વખતે અમે થર્મોકૉલનો મહેલ બનાવી રહ્યા છીએ. અમે સિંહાસન પર બેઠેલા ગણપતિની છ ફૂટની મૂર્તિ બેસાડીશું. ગયા વર્ષે અમે પડદાથી મહેલ બનાવ્યો હતો. એ પહેલાં સાંઈબાબાની પ્રતિકૃતિ બતાવતી થીમ પર સજાવટ કરી હતી. ગણેશોત્સવ દરમ્યાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની વાત કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે મહારાષ્ટ્રિયન સ્થાનિક મહિલાઓ દ્વારા ફૂગડી નૃત્ય, (મંગળા ગૌરી), મરાઠી ઑર્કેસ્ટા, ભજન ર્કીતન, બાળકો માટે નૃત્યનો કાર્યક્રમ વગેરેનું આયોજન કર્યું છે.

મલાડ-વેસ્ટમાં ચુનોતી યુવા મિત્ર મંડળ દ્વારા ૨૩મા વર્ષની ગણેશોત્વની ઉજવણી કરવામાં આવશે. મંડળના અધ્યક્ષ અરવિંદ મિશ્રાએ કહ્યું હતું કે આ વર્ષે અમારા મંડળ દ્વારા સ્ત્રીભ્રૂણહત્યાની થીમ રાખવામાં આવી છે. જેની હેઠળ સ્ત્રીભ્રૂણહત્યા પાપ છે. તેનું ચલચિત્ર બતાવવામાં આવશે. તદુપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રક્તદાન શિબિર, નાનાં બાળકો માટે ચિત્ર સ્પર્ધા, એચઆઇવી અને ક્ષય રોગ માટે માહિતી શિબિર, ભંડારા વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે.

કાંદિવલી-વેસ્ટમાં આવેલા પારેખ લેન મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવનું ૩૭મું વર્ષ છે, જેમાં આ વખતે વીસ ફૂટની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. મંડળના અધ્યક્ષ કમાલાકર બાઈગ અને ઉપાધ્યક્ષ જિજ્ઞેશ પરમાણીએ કહ્યું હતું કે આ વર્ષે જમૂરે ખેલ દિખા તેમ જ વિક્રમ વેતાળની વાર્તા દ્વારા સમાજની વિવધ સમ્ાસ્યાઓ વિશે રજૂઆત કરવામાં આવશે, જેમાં કરપ્શન પર ભાર આપવામાં આવશે.

કાંદિવલી-ઈસ્ટમાં  સ્ટેશન નજીક આકુર્લી રોડ પર શિવસેના શાખા ક્રમાંક ૨૧ પુરસ્કૃત ગણપતિ ઉત્સવ મંડળનું ગણેશોત્સવનું આ ૨૭મું વર્ષ છે. દર વર્ષની જેમ દસેક ફૂટની ગણપતિની મૂર્તિ તેમ જ અગિયાર દિવસના ગણપતિ આવે છે. આ વર્ષે શિવાજી મહારાજના રાજ્યાભિષેક પ્રસંગ આધારિત સજાવટ કરવામાં આવશે. શિવસેના વ્ોપારી સંગઠનના વિભાગ ઉપાધ્યક્ષ ઉત્તર મુંબઈ જિલ્લાના જયેશ એન. શાહે કહ્યું હતું કે વિસર્જનના દિવસે નીકળતું જુલૂસ કાંદિવલી-ઈસ્ટની શાન કહી શકાય. જેમાં બગ્ગી ઘોડા ગાડી, શિવાજી મહારાજ બનેલા કલાકારો તેમને જોવા મોટી માનવમેદની એકઠી થાય છે.

બોરીવલી-વેસ્ટમાં ગોરાઈનગર સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળનું ગણેશોત્સવનું ૩૮મું વર્ષ છે. ગણેશોત્સવ દરમ્યાન દર વર્ષે મંડળ દ્વારા કલાત્મક સજાવટ કરવામાં આવે છે. મંડળના સેક્રેટરી રઘુનાથ દાંબોડકરે અને ચૅરમૅન મનહર મદનાનીએ કહ્યું હતું કે આ વર્ષે દસેક ફૂટની મૂર્તિ લાવવાના છીએ. અમારે ત્યાં ૧૧ દિવસના ગણપતિની આવે છે તેમ જ મંદિરમાં મહેલ જેવી સજાવટની થીમ પ્રમાણે મેટલથી સજાવટનું કામ શરૂ થઈ ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશોત્સવ દરમ્યાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. જેમાં સત્યનારાયણની મહાપૂજા, બાળકો માટે ડ્રૉઇંગ કૉમ્પિટિશન તેમ જ સ્પોટ્ર્સની વિવિધ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ૧૧મા દિવસે ગોરાઈ બીચમાં વાજતેગાજતે ડીજેના તાલ સાથે વિસર્જન કરવામાં આવશે.

 (બોરીવલી-વેસ્ટમાં હરિદાસનગરમાં ગાવદેવી પ્રગતિ મિત્ર મંડળ દ્વારા ૨૩મા વર્ષે ગણેશોત્સવના ભાગરૂપે ગણપતિની સ્થાપના કરવામાં આવશે. મંડળના સેક્રેટરી પરેશ વાજે એ કહ્યું હતું કે અમે ચાર થીમ બનાવવાના છીએ. અમારે ત્યાં નવ ફૂટની ગણપતિની મૂર્તિ લાવવાના છીએ. પરંતુ એ કઈ છે એ દર્શનાથીઓને ૧૯ તારીખે ખબર પડશે. ત્યાં સુધી અમે માહિતી ગુપ્ત રાખવા માગીએ છીએ.)