ગડકરીના ગળે કસાયો ગાળિયો : આઇટી વિભાગ પણ તપાસ કરશે

26 October, 2012 03:12 AM IST  | 

ગડકરીના ગળે કસાયો ગાળિયો : આઇટી વિભાગ પણ તપાસ કરશે



બીજેપીના પ્રમુખ નીતિન ગડકરી પર તપાસનો ગાળિયો કસાઈ રહ્યો છે. કૉપોર્રેટ બાબતોના મંત્રાલય બાદ હવે આઇટી ડિપાર્ટમેન્ટ પણ તેમની કંપની પૂર્તિ પાવર ઍન્ડ શુગર કૉર્પોરેશનમાં બેનામી રોકાણો વિશે તપાસ શરૂ કરશે. મુંબઈના ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટના એક ટોચના અધિકારીએ કહ્યું હતું કે પૂર્તિમાં રોકાણ કરનાર ૧૮ જેટલી કંપનીઓના ભંડોળના સ્રોત શોધવાની તપાસ શરૂ કરવામાં આવશે. પ્રારંભિક તપાસના તારણ મુજબ આ નિષ્ક્રિય કંપનીઓએ ગડકરીની કંપનીમાં મોટા પાયે નાણાં ઠાલવ્યાં હતાં. નીતિન ગડકરી ગઈ કાલે દિલ્હી આવવાના હતા, પણ છેલ્લી ઘડીએ તેમણે નાદુરસ્ત તબિયતનું કારણ આપીને પ્રવાસ મોકૂફ રાખ્યો હતો. 

આઇટી વિભાગનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગડકરીની કંપની સામેની તપાસ પૂરી થયા બાદ ડીટેલ રિપોર્ટ સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ (સીબીડીટી)ને સોંપવામાં આવશે.

આઇટી વિભાગે કેટલાક મહત્વના દસ્તાવેજો મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ તપાસમાં આઇટી વિભાગના મુંબઈ અને પુણેના અધિકારીઓ સામેલ છે. જો જરૂર પડશે તો પૂર્તિના અધિકારીઓ તથા ખુદ નીતિન ગડકરીને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. અગ્રણી અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ પૂર્તિમાં ટોચની કન્સ્ટ્રક્શન કંપની આઇડિયલ રોડ બિલ્ડર્સે મોટા પાયે રોકાણ કર્યું હતું. ગડકરી જ્યારે મહારાષ્ટ્ર સરકારમાં પીડબ્લ્યુડી પ્રધાન હતા ત્યારે આ કંપનીને અનેક સરકારી કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યા હતા.

આ તરફ બીજેપીએ ગડકરીના પડખે રહેવાનો મક્કમ નિર્ણય કર્યો છે. ગઈ કાલે બીજેપીએ કેન્દ્ર સરકાર ગડકરીની છબિને નુકસાન પહોંચાડવાના પ્રયાસ કરી રહી હોવાનો આરોપ મૂક્યો હતો. ગઈ કાલે હિમાચલ પ્રદેશમાં બીજેપીનાં નેતા સુષમા સ્વરાજે કહ્યું હતું કે કૉન્ગ્રેસ પોતાની સામેના ભ્રષ્ટાચારના આરોપોથી બચવા માટે બીજેપીના નેતા (ગડકરી)ની ઇમેજને ખરાબ કરવાના પ્રયાસો કરી રહી છે.