G20 Summit: જો બાઈડનનો સૌથી મોંઘી હોટેલમાં ઉતારો, જેનું એક દિવસનું જ ભાડું છે આટલું!

05 September, 2023 04:30 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પણ G20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવી રહ્યા છે. તેઓને આઈટી મૌર્યના સૌથી મોંઘા સ્યૂટમાં ઉતારો આપવામાં આવશે. જેનું એક દિવસનું ભાડું 8 લાખ રૂપિયાની આસપાસ છે.

જો બાઈડન (ફાઈલ તસવીર)

ભારતની રાજધાની દિલ્હીમાં યોજાનારી બે દિવસીય G20 સમિટની પૂર્વ તૈયારીઓ લગભગ હવે પૂર્ણ કરી લેવામાં આવી છે. આ સમિટ 9 અને 10 સપ્ટેમ્બરે યોજાનાર છે. એક તરફ આ જ સમિટને લઈને દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે તો બીજી તરફ એરપોર્ટથી લઈને હોટેલ માટેની તમામ સુરક્ષાઓ કરી લેવામાં આવી છે. આ સમિટમાં જો બાઈડન માટે મોંઘી હોટેલ બુક કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે 19 દેશોના વડાઓ, યુનિયન પ્રતિનિધિઓ અને અનેક દેશોમાંથી મહેમાનો ખાસ આવી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં G20 સમિટમાં ભાગ લેનાર મહેમાનો માટે 25 ફાઇવ સ્ટાર હોટલ બુક કરવામાં આવી છે. સાથે જ આ હોટલોની સ્પેશિયલ થીમ પણ નક્કી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ જો બિડેન માટે સૌથી મોંઘી હોટેલ બૂક કરવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden) પણ G20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવી રહ્યા છે. તેઓને આઈટી મૌર્યના સૌથી મોંઘા સ્યૂટમાં ઉતારો આપવામાં આવશે. જેનું એક દિવસનું ભાડું 8 લાખ રૂપિયાની આસપાસ છે. આ સાથે જો બાઈડન સાથે આવનાર લોકો માટે 400 જેટલી રૂમ બૂક કરવામાં આવ્યા છે. જો કે, તેમની સુરક્ષા ટીમ અત્યારથી જ ભારત પહોંચી ચૂકી છે. તેઓ 7 સપ્ટેમ્બરે દિલ્હી એરપોર્ટ પર પહોંચવાના છે.

આ મોંઘેરા મહેમાનોને શું પીરસવામાં આવશે?

આ વખતે દિલ્હીની અલગ-અલગ હોટેલોમાં મિલેટ યરની થીમ પર બાજરીમાંથી બનેલી વાનગીઓ પીરસવામાં આવશે. જેમાં જુવાર, બાજરી અને રાગીમાંથી બનેલી વાનગીઓનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત મહેમાનોને સ્ટ્રીટ ફૂડ અને ફૂડ ફ્યુઝન પણ પીરસવામાં આવશે. તમને જણાવી દઈએ કે યુએનએ દ્વારા 2023ના વર્ષને મિલેટ્સ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ભારત આવા અનાજને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. G20 સમિટ દરમિયાન પણ આ જ પ્રોત્સાહનના ભાગ રૂપે અનાજમાંથી બનાવેલ વાનગીઓ પીરસવામાં આવશે. 

યુકેના વડાપ્રધાનને કઈ હોટલમાં અપાશે ઉતારો?

યુકેના વડાપ્રધાન ઋષિ સુનક (Rishi Sunak) પણ G20 સમિટમાં ભારતની મુલાકાતે આવવાના છે. મળતી માહિતી મુજબ તેઓ શાંગરી લા હોટેલમાં રોકાશે. આ સિવાય જર્મનીના ડેલિગેટ્સ પણ આ હોટલમાં રોકાશે. મહેમાનોના રોકાણને કારણે આ હોટલોમાં કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા છે.

ક્લારિજેસ હોટેલ ખાતે ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન રોકાશે. ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનીઝ ઈમ્પીરીયલમાં તો ચીનના પ્રતિનિધિઓ તાજ હોટેલમાં રોકાશે. ઈન્ડોનેશિયાના પ્રતિનિધિ ઈમ્પીરીયલ હોટલ તો મોરેશિયસ, નેધરલેન્ડ, નાઈજીરીયા અને સ્પેનના પ્રતિનિધિ માટે હોટેલ ઓબેરોય બૂક કરવામાં આવી છે.  ઈટાલી અને સિંગાપોરના મહેમાનો હોટેલ હયાત અને કેનેડાના રેસીડેન્સીના પ્રતિનિધિઓ હોટેલ લલિતમાં રોકાશે. કોરિયાના પ્રતિનિધિઓ હોટેલ ઓબેરોય, મિસ્ત્ર મહેમાન આઇટીસી શેરેટોન સાકેત અને યુએઇના મહેમાનો તાજ હોટેલમાં રોકાશે.

joe biden rishi sunak netherlands united kingdom united states of america g20 summit delhi national news india