ક્રૂડ ઑઇલના ભાવમાં વધારો થતાં ઇંધણના ભાવ ભડકે બળ્યા

14 January, 2021 03:47 PM IST  |  Mumbai | Agencies

ક્રૂડ ઑઇલના ભાવમાં વધારો થતાં ઇંધણના ભાવ ભડકે બળ્યા

તસવીર સૌજન્ય જાગરણ

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બુધવારે ફરી વધારો કરવામાં આવ્યો છે. બન્નેના ભાવમાં લિટર દીઠ ૨૫ પૈસાનો વધારો થયો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ લિટર દીઠ ૯૧ રૂપિયાને પાર કરી ગયું છે. દિલ્હીમાં બુધવારે પેટ્રોલ ૮૪.૪૫ રૂપિયા અને ડીઝલ ૭૪.૬૩ રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. છેલ્લા પાંચ દિવસથી ઇંધણના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નહોતો, પરંતુ આજે બન્ને ઇંધણના ભાવમાં ૨૫-૨૫ પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા ૧૦ મહિનામાં પેટ્રોલની કિંમતમાં લિટર દીઠ ૧૪ રૂપિયાથી વધુનો વધારો થયો છે. ગઈ કાલે ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. તેમાં અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ૨૪ પૈસા વધીને ૮૧.૯૦ રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યો છે. જ્યારે ડીઝલમાં ૨૭ પૈસાનો વધારો થતાં ૮૦.૪૫ના સ્તરે પહોંચ્યું છે.
આ વધારા પછી દિલ્હીમાં પેટ્રોલ ૮૪.૪૫ અને ડીઝલ ૭૪.૬૩ રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે અને મુંબઈમાં પેટ્રોલ ૯૧.૦૭ રૂપિયા અને ડીઝલ ૮૧.૩૪ રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. આ જ રીતે કલકત્તામાં પણ પેટ્રોલ ૮૫.૯૨ રૂપિયા અને ડીઝલ ૭૮.૨૨ રૂપિયા અને ચેન્નઈમાં પેટ્રોલ ૮૭.૧૮ રૂપિયા અને ડીઝલ ૭૯.૯૫ રૂપિયા પર પહોંચી ગયું છે. નોઈડામાં પેટ્રોલ ૮૪.૨૫ રૂપિયા અને ડીઝલ ૭૫.૦૭ રૂપિયા પર પહોંચી ગયું છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાને લીધે મોંઘવારી વધવાની સંભાવના છે.

national news mumbai gujarat