રતન તાતાએ છેલ્લો દિવસ પુણેમાં ફૅક્ટરી વર્કરો સાથે ગાળ્યો

29 December, 2012 07:38 AM IST  | 

રતન તાતાએ છેલ્લો દિવસ પુણેમાં ફૅક્ટરી વર્કરો સાથે ગાળ્યો



ટોચના ઉદ્યોગપતિ રતન તાતાનો કાલે તાતા ગ્રુપના ચૅરમૅન તરીકેનો છેલ્લો દિવસ હતો. ગઈ કાલે તેઓ પોતાના જન્મદિવસે જ રિટાયર્ડ થયા હતા. રતન તાતાએ ચૅરમૅન તરીકેનો છેલ્લો દિવસ મુંબઈમાં આવેલા તાતા ગ્રુપના હેડ ક્વૉર્ટરમાં પણ નહીં પુણેમાં આવેલી તાતા મોટર્સની ફૅક્ટરીના વર્કરો સાથે ગાળ્યો હતો. ગઈ કાલે ટ્વિટર પર રતન તાતાએ લખ્યું હતું કે ‘યુનિયનની વિનંતીને સ્વીકારીને નિવૃત્તિ પહેલાંનો છેલ્લો દિવસ મેં તાતા મોટર્સના મૅન્યુફૅક્ચરિંગ યુનિટમાં ફ્લૉર પર કામ કરતા વર્કર્સ સાથે ગાળ્યો હતો.’ રતન તાતાએ ૫૦ વર્ષ પહેલાં ફૅક્ટરી વર્કર્સ સાથે કામ કરીને જ તાતા ગ્રુપમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.

તાતા ગ્રુપમાં ૫૦ વર્ષ સુધી કામ કર્યા બાદ તથા ૨૧ વર્ષ સુધી સફળતાપૂર્વક આ ગ્રુપનું સુકાન સંભાળ્યાં પછી નિવૃત્ત થયેલા રતન તાતાએ કહ્યું હતું કે અત્યારના પ્રતિકૂળ વાતાવરણ છતાં પણ ભારતના વિકાસની ગતિ ફરી તેજ થશે. ગઈ કાલે ૭૫ વર્ષના થયેલા રતન તાતા પર ગઈ કાલે શુભેચ્છાઓનો વરસાદ થયો હતો. કંપનીના તમામ વર્ગના કર્મચારીઓથી લઈને ઉચ્ચ અધિકારીઓએ તેમને શુભેચ્છા પાઠવી હતી. એટલું જ નહીં, અન્ય ટોચના ઉદ્યોગપતિઓએ પણ તેમને શુભેચ્છા પાઠવતાં તેમના યોગદાનને બિરદાવ્યું હતું. ગઈ કાલે તમામ કર્મચારીઓને પાઠવેલા પત્રમાં તેમણે સતત સર્પોટ, કટિબદ્ધતા અને સમર્પણ આપતા રહેવાની અપીલ કરી હતી. રતન તાતાએ ૧૯૯૧માં જેઆરડી તાતા પાસેથી તાતા ગ્રુપનું સુકાન સંભાળ્યું હતું. ગઈ કાલે ૪૪ વર્ષના સાઇરસ મિસ્ત્રીએ તેમની પાસેથી તાતા ગ્રુપનું સુકાન સંભાળ્યું હતું.