25 August, 2026 11:43 AM IST | kashmir | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
કાશ્મીરી પંડિતોને ફરી એક વાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ૧૫ દિવસમાં આ બીજી ધમકી છે જે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે.
આ નવી ધમકી યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ (ULC) નામના આતંકવાદી સંગઠન તરફથી મળી છે. એમાં નામ અને સરનામાં સામેલ છે. એમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અમે તમારી દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા છીએ.
ULC નામના આતંકવાદી સંગઠનનો એક નવો ધમકીભર્યો પત્ર વિવિધ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર વાઇરલ થઈ રહ્યો છે. પત્રમાં કાશ્મીરી પંડિત પરિવારોનાં નામ અને સરનામાં જેવી અંગત માહિતી છે જે સમુદાયને ડરાવવાના પ્રયાસો વિશે નવી ચિંતાઓ ઊભી કરે છે.
ધમકીભર્યો આ પત્ર ૨૩ ઑગસ્ટે ઑનલાઇન ફરતો થયો હતો જેમાં વિસ્થાપિત કાશ્મીરી પંડિતોને ચેતવણી આપવામાં આવી છે કે તેમની તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. એમાં તેમના પર દિલ્હીમાં રાજકીય હિતો માટે કામ કરતા મોટા, દેશદ્રોહી અને વાઇટ કૉલર આતંકવાદી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા એજન્ડાને આગળ વધારવાના આરોપીઓને પણ નિશાન બનાવવાની ધમકી મળી છે.